ગુજરાત
News of Monday, 21st September 2020

ગુજ્જુ ભાઈજાન અને તેમાં પણ સુરતી બાબુની હિમ્મત દિલેરીને દાદ દેવી પડે : કોરોના મહામારી સામે લડીને લોકોના જીવનને બચાવવા રાત દિવસ એક કરતાં સુરતના કોરોના વોરિયર્સ ૩૭ ડોક્ટરોએ પ્લાઝ્મા તો ૩૩ ડોક્ટરો એ રક્તદાન કરી માનવતાનું ઝરણું વહેતુ કર્યું

મોટાવરાછા મેડિકલ એસો. ના પ્રમુખ સંજય ઠુમ્મરે સુરતના તબીબોની જાગૃતિ ઝુંબેશની વિગતો આપી

સુરત : ગુજ્જુ ભાઈજાન અને ટ્વિમાં પણ સુરતી બાબુની હિમ્મત અને દિલેરીનો જોટો બીજે ક્યાંય ગોતવા જાવ તો પણ ન મળે વાત જાણે એમ છે કે કોરોના સંક્રમિત લોકોની જિંદગી બચાવવા રાત દિવસ એક કરીને કામગીરી કરતા કોરોના વોરિયર્સ સુરતના જ ૩૭ ડોક્ટર્સ એ પ્લાઝ્મા અને ૩૩ ડોક્ટર્સ એ રક્તદાન કરી માનવતાનું ઝરણું વહેતુ કર્યાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 “સુરતમાં કોરોના વાયરસની શરૂઆતથી જ આરોગ્ય સેવા આપવામાં યોગદાન આપી રહ્યા છીએ. એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી પ્લાઝમા મળી રહે તેમજ જરૂરતમંદને રક્ત પણ મળી રહે એ હેતુથી જાગૃત્તિ ઝુંબેશ ઉપાડી હતી. જેમાં અસોસિએશનના 70 તબીબો કે જેમને કોરોનાના લક્ષણો જણાયા હતા. તેઓએ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતા શાહનો સંપર્ક કરી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા હતા.

37 ડોક્ટરના એન્ટીબોડી બન્યા હોવાથી તેમણે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા  ડોનેટ કર્યુ. અન્ય  33 તબીબોએ રક્તદાન કર્યું છે.

કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની સામે રોગપ્રતિકારક શક્તિ હોવી એ વરદાનરૂપ છે. જેથી એલોપેથિક સારવારની સાથે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હોવાનું સંજય ઠુમ્મર જણાવ્યું હતું.

એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ પ્લાઝમા  આપ્યું છે. તેઓ જણાવે છે કે, “કોરોના મહામારીના લીધે માર્ચ મહિનાંથી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી વરાછા મેડિકલ અસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે પહેલ કરતા રૂ.અઢી લાખની ફૂડ કિટસ બનાવી સુરતના જુદા જુદા વિસ્તારમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે એસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે. રક્તદાન પણ જરૂરી હોવાથી અમે પ્લાઝમા સાથે રક્તદાન પણ થાય એ માટે સક્રીય છીએ.

ડો.વાઘાણીએ વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન સેવા આપતા ઘણા તબીબો સંક્રમિત થયા છે. હું પણ કોરોના સંક્રમિત થયો હતો. 30 જુનના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. 14 દિવસ હોમ આઈસોલેટ રહીને સારવાર લીધી હતી.28 દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો.

જેમાં એન્ટિબોડી બન્યા હોવાથી 20 જુલાઈએ પહેલી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પંદર દિવસ બાદ ફરી જરૂર જણાશે તો ફરી વાર પ્લાઝમા આપવા તૈયાર છું. તેવી જ રીતે સેવાના હેતું એસોસિએશનના અન્ય તબીબો પણ ખભે-ખભા મિલાવીને લોકોને કોરોનાથી બચાવવા અને કોરોના સામેનો જંગ જીતવા પ્રયત્નો કરી રહ્યા છે.

(10:34 pm IST)