ગુજરાત
News of Monday, 21st September 2020

વરસાદી સિસ્‍ટમ્‍સ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા સૌરાષ્‍ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહીઃ તાપીના ઉચ્‍છલ અને ડાંગના સુબીરમાં 4 ઇંચઃ 134 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજકોટ: રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસમાં છુટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર રાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલ અને ડાંગના સુબીરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 129 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘકહેર યથાવત્ત

વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે બપોરના સમયે ગઢડા શહેર અડતાળા, વિરપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગર અને અમરેલીના પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં આજે ધીમીધારે વરસાદ નોંધાયો હતો. તલાલા અને ગીરગઢડામાં પણ વરસાદ નોંધાયો હતો. જો કે ભારે પવન સાથે વરસાદનાં કારણે ખેડૂતોનાં પાકને ખુબ જ નુકસાન થયું છે. બચેલો કુચેલો પાક પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

દક્ષિણમાં પણ વરસાદ

રાજ્યનાં કુલ 134 તાલુકામાં વરસેલા વરસાદ પૈકી સૌથી વધારે તાપીના ઉચ્છલ, ડાંગના સુબીર અને સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. આ ઉપરાંત નવસારી, જલાલોર, ભરૂચ અને રાજકોટના ગોંડલમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી અને સુરતમાં અઢી અઢી ઇંચ વરસાદ નોંધાયા છે. સુરતના બારડોલી, માંડવી, અમરેલીના ખાંભા, રાજકોટના જસદણઅને કોટસાંગાણી તથા વડોદરાના ડભોઇમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વડોદરા અને નવસારીના ગણદેવીમાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.

(4:40 pm IST)