ગુજરાત
News of Monday, 21st September 2020

વડોદરામાં ભાજપે કોરોનાકાળામાં નિયમો નેવે મુક્‍યાઃ પાદરા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ સ્‍વામી કોરોના સંક્રમિત હોવા છતાં જ્‍યુપિટર કોવિડ હોસ્‍પિટલમાં કાર્યક્રમ યોજાયો

વડોદરા: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જો કે લોકોમાં હવે કોરોનાનો પહેલા જેટલો ડર રહ્યો નથી. લોકો બિંદાસ રીતે બહાર નિકળી રહ્યા છે અને કાંઇ જ ન હોય તેવી રીતે વર્તે છે અને અનેક નિયમો પણ તોડે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ મોટી મોટી સભાઓ અને રેલીઓ કર્યા બાદ હવે વડોદરાના પાદરા તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પોતે કોરોના સંક્રમિત હોવા છતા પણ નિયમોને નેવે મુકીને હોસ્પિટલ હોસ્પિટલમાં કાર્યક્રમ આયોજીત કર્યો હતો. વડોદરાની જ્યુપિટર કોવીડ હોસ્પિટલમાં તેમણે કાર્યક્રમ યોજ્યો હતો.

આશ્ચર્યજનક બાબત તો એ છે કે, આકોટા ભાજપના ધારાસભ્ય સીમા મોહિલે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કોરોના વોરિયર્સ તબીબોને એવોર્ડ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટા ભાજપ ધારાસભ્ય સીમા મોહિલે પણ અનેક તબીબો સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલે કાર્યક્રમ કરવા માટે કોણે મંજુરી આપી તે સવાલ ઉઠી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ ફેલાય તેના માટે કોણ જવાબદાર? હાલ તો આ કાર્યક્રમનો વીડિયો બહાર આવતા ભારે વિવાદ થાય તેવી શક્યતા છે. ભાજપના વધારે એક નેતાએ સાબિત કર્યું છે કે, કોરોના તો નામ માત્ર છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. મોજ કરો અને જે કમરતોડ દંડ વસુલવામાં આવે છે તે સામાન્ય માણસ માટે જ છે નેતાઓ માટે આ નિયમો જ નથી.

(4:39 pm IST)