ગુજરાત
News of Monday, 21st September 2020

ગુજરાત ફોરેન્સીક સાયન્સીઝ યુનિ.ને ઈન્સ્ટીયુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજજો

દેશમાં ફોરેન્સીક સાયન્સીઝ ક્ષેત્રે સ્ટડી અને રીસર્ચનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારનું વધુ એક નકકર પગલું: કેન્દ્ર સરકારનો આભારઃ પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગરઃ ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજયના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજયમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજયની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે ત્યારે ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજજો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનુ બિલ લોકસભામા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી શ્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું.જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય. માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો મંત્રીશ્રી જાડેજાએ આભાર વ્યકત કર્યો હતો.

તેઓએ જણાવેલ કે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે નાગરીકોને સુરક્ષા પૂરી પાડવા અને ત્વરિત ન્યાય મળે તે માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે ત્યારે આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. આજનાં ડીજીટલ યુગના સમય-ગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજયમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનીંગનું છે. રાજય સરકારની આ ક્ષેત્રે વિકાસ કરવાની પ્રતિબધ્ધતાના કારણે આ કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના પરિણામે દેશ-વિદેશના આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, આ યુનિવર્સિટીમાં દેશમાં ઓફ કેમ્પસ સેન્ટર તથા વિદેશમાં ઓફ-શોર  કેમ્પસની સ્થાપના કરી શકાશે જેનાથી ફોરેન્સિક સાયન્સનાં શિક્ષણ, રીસર્ચ, ટ્રેનીંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં વધારવા માટે ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા પાયારૂપ બનશે. સૂચિત યુનીવર્સીટીનું મુખ્ય મથક ગાંધીનગર ખાતેની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનીવર્સીટી રહેશે. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટીમાં વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ, કેન્દ્ર સરકારનાં અન્ય વિભાગો તેમજ વિદેશી સંસ્થાઓ પાસેથી ફંડેડ રીસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેકટ્સ મેળવવામાં પણ સરળતા થશે. આ યુનિવર્સિટીનું સૂચિત માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, આ સંસ્થા દેશની અન્ય તમામ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં કેપેસીટી બિલ્ડીંગ વધારવામાં પણ મહત્વની સાબિત થશે.

(4:12 pm IST)