ગુજરાત
News of Monday, 21st September 2020

ગુજરાતનું ગૌરવ : રક્ષા શકિત યુનિવર્સિટી હવે બનશે રાષ્‍ટ્રીય કક્ષાની યુનિવર્સિટી

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં રાજ્‍ય સરકારની સિધ્‍ધી : વડુ મથક ગાંધીનગર રહેશે : ગૃહ રાજ્‍ય મંત્રીની જાહેરાત : દેશની રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ટ્રેનીંગ - રિસર્ચ - એકસ્‍ટેન્‍શન - એજ્‍યુકેશન (TREE)નું માળખુ સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ : નરેન્‍દ્રભાઇ મોદી - અમિતભાઇ શાહનો આભાર માનતા પ્રદિપસિંહ જાડેજા

 ગાંધીનગર તા. ૨૧ : ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, રાજયમાં કાયદો - વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્‍યાપ વધે તે માટે તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજયમાં રક્ષા શક્‍તિ યુનિવર્સિટીની સ્‍થાપના કરી હતી. રાજય સરકારના હકારાત્‍મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોક સભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્‍દ્રિય ગૃહ રાજય મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી દ્વારા રજૂ કરાયું હતું અને લોક સભામાં પસાર પણ કરાયું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, આજે લોકસભામાં ગૃહરાજય મંત્રી શ્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ - ૨૦૨૦ પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમ્‍યાન શ્રી રેડ્ડીએ દેશના અનેક રાજયોના પોલીસ બળો તથા અર્ધલશ્‍કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્‍થાન હોવાના મહત્‍વ અંગે વિસ્‍તૃત માહિતી લોક સભાના સભ્‍યોને પૂરી પાડી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ બિલના માધ્‍યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્‍થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્‍તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે

અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ નેશનલ ઇમ્‍પોર્ટન્‍સ (રાષ્ટ્રીય મહત્‍વનું શૈક્ષણિક સંસ્‍થાન)નો પણ દરજ્જો આપવામાં આવ્‍યો છે. સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્‍કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્‍થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે ત્‍યારે રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સીટી ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરશે એવો દ્રઢ વિશ્વાસ મંત્રીશ્રીએ વ્‍યકત કર્યો છે.લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કર્યાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ - રિસર્ચ - એકસ્‍ટેન્‍શન - એજયુકેશન (Tree)' નું બહોળું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ભારતે આગેકૂચ કરી છે.

ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ ના પસાર કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા રાજય મંત્રી શ્રી રેડ્ડીને અભિનંદન આપતા કહ્યું કે, આ બિલના કારણે રક્ષા શક્‍તિ યુનિવર્સિટી ને કેન્‍દ્રીય યુનિવર્સિટી નો દરજ્જો મળતા રાજયમાં આ ક્ષેત્રે શિક્ષણની વ્‍યાપક તકો ઉપલબ્‍ધ બનશે અને યુવાઓને રોજગારી તકો વધુ માત્રામાં પ્રાપ્ત થશે.

શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રક્ષા શક્‍તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય સ્‍તરે કાર્યરત થતા તેઓ આશ્વસ્‍ત છે કે યુનિવર્સિટી આખા દેશના આંતરિક સુરક્ષા માળખાને સશક્‍ત કરવાની દિશામાં નવા આયામ સર કરશે. શ્રી જાડેજાએ યુનિવર્સિટીના સ્‍ટાફને આર.એસ.યુ. દ્વારા ભૂતકાળમાં મેળવેલ ખ્‍યાતિ અને આવનારા ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેઓએ યુનિવર્સિટી દ્વારા ભવિષ્‍યમાં કરવામાં આવનાર રાષ્ટ્રીય નિર્માણના અનેક કાર્યો માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સહયોગ આપશે. રક્ષા શક્‍તિ યુનિવર્સિટીની સ્‍થાપના વર્ષ ૨૦૦૯માં તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દૂરંદેશી અને રાષ્ટ્રનિર્માણ માટેના સમર્પણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટીમાં સ્‍ટેટ ઓફ ધી આર્ટ ઈન્‍ફાસ્‍ટ્રકચરથી લઈને વિશ્વ સ્‍તરીય શૈક્ષણિક અભ્‍યાસક્રમો ભણાવવા સારૂ હેતુ અદ્યતન વૈજ્ઞાનિક ઉપકરણો પૂરા પાડવા જેવા અનેક કાર્યો માટે વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સહિત તેમની પછી રાજયને સેવા આપનાર દરેક મુખ્‍યમંત્રીશ્રીએ સંપૂર્ણ સહકાર પૂરો પાડ્‍યો છે. આવા અથાગ પરિશ્રમ ના જ ફળરૂપે આજે રક્ષા શકિત યુનિવર્સિટી એ એક કેન્‍દ્રીય યુનિવર્સિટી અને ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ નેશનલ ઇમ્‍પોર્ટન્‍સ' બનવા જઇ રહ્યું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

(1:19 pm IST)