ગુજરાત
News of Friday, 21st September 2018

ગુજરાતમાં વર્ષે ૧૫૦૦ બાળક બહેરાશની સાથે જ જન્મ લે છે

વર્લ્ડ ડેફનેસ વીકનો પ્રારંભ કરવામાં આવ્યોઃ પ વર્ષ પહેલાં સ્ક્રીનીંગથી ખબર પડે તો બહેરાશની ખામીનું નિવારણ થઇ શકે છે : વીએસમાં પણ હીયરીંગ સ્ક્રીનીંગ

અમદાવાદ,તા.૨૧: વર્લ્ડ ડેફનેસ(બહેરાશપણું) વીકનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શ્રવણશકિતની ખામી એ ભારતમાં આજે અંધત્વ પછી બીજા નંબરની સૌથી મોટી સામાન્ય વિકલાંગતા બની ગઇ છે પરંતુ આ વિકલાંગતા સંપૂર્ણપણે નિવારી શકાય છે. જો, બાળક પાંચ વર્ષનું થાય તે પહેલાં જ તેનું હીયરીંગ સ્ક્રીનીંગ કરી દેવાય અને ત્યારબાદ તરત જ તેની ઇમ્પ્લાન્ટ, થેરાપી અને ટ્રીટમેન્ટ કરી દેવાય તો, બહેરાશની આ ખામીનું સો ટકા નિવારણ થઇ શકે છે અને બાળક સો ટકા સાંભળતું થઇ શકે છે અને તેના લીધે તે નોર્મલ માણસની જેમ બોલતું પણ થઇ શકે છે. આવા બાળક મૂંગા-બહેરાની શાળામાં ભણવા કરતાં સીધા અન્ય બાળકોની સાથે જ રૂટીન શાળામાં નોર્મલ બાળકોની સાથે જ અભ્યાસ કરવાની અદભુત તક પામી શકે છે. ગુજરાતમાં દર વર્ષે આશરે ૧૫૦૦ બાળકો બહેરાશ સાથે જન્મ લે છે, તેની સામે દેશમાં આજે અંદાજે ૧.૬ કરોડ લોકો મૂંગા અને બહેરા છે. આ સંજોગોમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અને ખાસ બહેરાશપણું ધરાવતાં નાના બાળકો માટે જ અદ્ભુત સેવાયજ્ઞ ચલાવતી તારા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને બહેરાશપણાથી મુકત કરવાની અનોખી ઝુંબેશની આજે જાહેરાત કરાઇ હતી. તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સની જૈન અને જાણીતા સર્જન તેમ જ વિષયનિષ્ણાત ડો.નીરજ સૂરીએ આ માટે બાળકના જન્મ પછી જીવન અને રોગથી બચવાની રસીઓની જેમ સાંભળવાની ચકાસણી(હીયરીંગ સ્ક્રીનીંગ) પણ ગુજરાતમાં ફરજિયાત બનાવાય તેવો અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળક જન્મે પછી ૨૪ કલાકમાં ગમે ત્યારે તેનું હીયરીંગ સ્ક્રીનીંગ કરી જાણી શકાય છે કે તે બહેરાશપણું ધરાવે છે કે નોર્મલ છે. પાંચ વર્ષની ઉંમર સુધીમાં જેટલું જલ્દી ખબર પડી જાય કે, બાળક આ વિકલાંગતા ધરાવે છે, તો તેના બહેરાશપણાનું સો ટકા નિવારણ શકય બને છે. તારા ફાઉન્ડેશન આ ડેફનેસ ધરાવતાં છ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે હીયરીંગ સ્ક્રીનીંગ, મ્યુઝિક, સ્પીચ થેરાપી, બીહેવીયર થેરાપી, ઓડિયો થેરાપી સહિતની વિવિધ પ્રકારની અને અસરકારક સારવાર આપે છે, જેને પગલે બાળક સાંભળતું થઇ જાય છે અને તેની બહેરાશપણાંની વિકલાંગતાનું સો ટકા નિવારણ કરી શકાય છે. તારા ફાન્ડેશન બિલકુલ વિનામૂલ્યે આવા બાળકોની સેવા કરી રહી છે. તારા ફાઉન્ડેશન બહેરાશપણા મુકત સોસાયટી અને બહેરાશપણા મુકત ગુજરાતના ઉમદા ધ્યેય સાથે આગળ વધી રહી છે. આ માટે સંસ્થા છ સેન્ટરથી વિસ્તરણ કરી આગામી દિવસોમાં રાજયમાં ૫૦ સેન્ટર સ્થાપવાનું આયોજન ધરાવે છે. જેમાં આગામી દસ દિવસમાં શહેરની વી.એસ.હોસ્પિટલમાં તારા ફાઉન્ડેશન દ્વારા હીયરીંગ સ્ક્રીનીંગ સેન્ટર ખોલી રહ્યું છે, જેથી હોસ્પિટલમાં જન્મતાં અને શહેરના અન્ય જન્મેલા બાળકોનું હીયરીંગ સ્ક્રીનીંગ તાત્કાલિક શકય બનશે. તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સની જૈન અને જાણીતા સર્જન તેમ જ વિષયનિષ્ણાત ડો.નીરજ સૂરીએ ગુજરાતની જનતાને ખાસ કરીને માતા-પિતાને અનુરોધ કર્યો હતો કે, બાળક જન્મે એટલે સૌથી પહેલા તેનું હીયરીંગ સ્ક્રીનીંગ ફરજિયાતપણે કરાવી લેવું જોઇએ. ઘણીવાર માતા-પિતા એ વાત સ્વીકારતા નથી કે તેમનું બાળક બહેરું જન્મ્યું છે પરંતુ તેનો સ્વીકાર કરીને તાત્કાલિક તેની ટ્ર્ીટમેન્ટ, થેરાપી અને ઇમ્પ્લાન્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરે તો, બાળક સો ટકા સાંભળતું થઇ શકે છે. સમાજના જાગૃત નાગરિકો, કોર્પોરેટ હાઉસ અને દાનવીર દાતાઓએ સમાજમાંથી બહેરાશપણાંની વિકલાંગતાને કાયમી ધોરણે નાબૂદ કરવાની તારા ફાઉન્ડેશનની આ સેવાકીય ઝુંબેશમાં સહભાગી બનવું જોઇએ. ખુદ રાજય સરકારે હીયરીંગ સ્ક્રીનીંગ ફરજિયાત બનાવવાની દિશામાં પહેલ કરવી જોઇએ.

(10:06 pm IST)