ગુજરાત
News of Tuesday, 21st August 2018

સાસુજી, પિઝાહટ જેવી મોટી રેસ્ટોરન્ટમાં મોટાપાયે ગંદકી

આરોગ્ય વિભાગની રેડમાં ગંદકી પ્રકાશમાં આવીઃ કસૂરવાર હોટલ-રેસ્ટોરાંને નોટિસો ફટકારાઇ તેમજ દંડ વસૂલવાની તજવીજ : લોકોએ સાવધાન રહેવા માટે જરૂર

અમદાવાદ, તા.૨૧: ચોમાસાની સિઝનમાં લોકો 'હાઇજેનિક ફૂડ'ને વધુ પસંદ કરે છે. અનેક શોખીનો મોંઘાદાટ ભાવની રેસ્ટોરાંને પસંદ કરી હાઇફાઇ અને વૈભવીપણાંનો રૂઆબ છાંટવા મોટી હોટલ-રેસ્ટોરન્ટમાં જતા હોય છે પરંતુ ઘણીવાર વાસ્તવિક સ્થિતિ નામ બડે ઔર દર્શન છોટે જેવી પેદા થતી હોય છે. શહેરના સીજી રોડ પર આવેલી પ્રતિષ્ઠિત સાસુજી ડાઇનીંગ હોલ, સિંગાપોરિયમ, દક્ષિણાયન, એલિનીયા, પીઝાહટ, વિદેશી રેસ્ટોરાં વગેરેમાં અમ્યુકો તંત્રના અધિકારીઓએ ગઇકાલે રાત્રે હાથ ધરેલા અચાનક ચેકિંગ દરમ્યાન રસોડામાં પાર વગરની ગંદકી જોવા મળી હતી, જે જોઇ ખુદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. અમ્યુકો હેલ્થ વિભાગ દ્વારા ગંદકીના કારણોસર અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને લઇ આવી કસૂરવાર હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ પણ ફટકારાઇ છે અને તેઓની પાસેથી જરૂરી પેનલ્ટી વસૂલવાની તજવીજ હાથ ધરાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીના નેતૃત્વ હેઠળ ગઇકાલે રાત્રે ફૂડ વિભાગની ટીમ સાસુજી ડાઇનીંગ હોલ સહિતનાં વિવિધ હોટલ-રેસ્ટોરાં પર ત્રાટકી હતી. જે તે રેસ્ટોરાંમાં નિયમ મુજબ ખાદ્ય પદાર્થો બનાવાય છે, અને પિરસાય છે તેની ચકાસણી કરાઇ હતી તેમજ માવો, ટોમેટો ચટણી સહિતના ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા. સીજી રોડ પર આવેલી સાસુજી ડાઇનીંગ હોલની તપાસમાં પાર વગરની ગંદકી જોવા મળી હતી. રસોડામાં ચોતરફ ગંદકી જોઇને ખુદ અધિકારીઓ ચોંકી ગયા હતા. હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સાસુજી રેસ્ટોરાંના રસોડામાં ગઇકાલે રાતે ચેકિંગ દરમ્યાન ગંકદી જોવા મળતાં નોટિસ ફટકારાઇ છે અને આ બદલ પેનલ્ટી પણ ફટકારાશે. તંત્ર દ્વારા સીજી રોડ પરની સિંગાપોરિયમ હોટલ્સ પ્રા.લિ.ને ગંદકી મામલે નોટિસ ઉપરાંત રૂ.રપ૦૦૦ની પેનલ્ટી ફટકારી હતી તેમજ માવાનું સેમ્પલ લેવાયું હતું. નવરંગપુરાની દક્ષિણાયનને રૂ.પ૦૦૦ની પેનલ્ટી ફટકારી ટોમેટો ચટણીનું સેમ્પલ, પંચવટીની એલિનિયા રેસ્ટોરાંને રૂ.બે હજારની પેનલ્ટી અને નોટિસ તેમજ બ્રાઉન ગ્રેવીનું સેમ્પલ, પિઝા હટને નોટિસ ફટકારી, પિઝા સોસ, શ્રી મારુતિનંદનને નોટિસ ફટકારી હળદર પાઉડરનું સેમ્પલને રૂ.૪૦૦૦ની પેનલ્ટી સાથે નોટિસ ઉપરાંત ત્યાંથી બૈંગન ભરથાનું સેમ્પલ લેવડાવીને મ્યુનિસિપલ લેબમાં તપાસ અર્થે મોકલી અપાયું હતું. આ તપાસ દરમિયાન જે તે રેસ્ટોરાં ખાતે આરોગ્ય માટે હાનિકારક એવા ૧૭૫ કિ.ગ્રા.ખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરાયો હતો. દરમ્યાન પ્રહ્લાદનગરમાં આવેલી બાર્બિક્યુનેશન હોસ્પિટાલિટી લિ.માંથી જંગલી ચુક્કડ, પ્રહ્લાદનગર ગાર્ડન પાસેની વિદેશી રેસ્ટોરાંમાંથી રેડ ગ્રેવી અને નિનિઝ કિચનમાંથી ગ્રીન ચટણીનું, એચ.કે. ફૂડઝમાંથી પીઝા સોસનું સેમ્પલ લઇને મ્યુનિ. લેબમાં તપાસ અર્થે મોકલાયું છે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી કોઇ વસ્તુ સાંખી લેવાશે નહી. આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવી તે હોટલ-રેસ્ટોરાંની ફરજ છે.

(9:49 pm IST)