ગુજરાત
News of Tuesday, 21st August 2018

બોફોર્સની જેમ મગફળી કૌભાંડ બની શકે છે ગુજરાતમાં ચૂંટણીનો મુદ્દો

સરકારની આબરૂના 'ફોતરા' ઉડે છેઃ મુદ્દો સતત સળગતો રહેતા ભાજપ માટે મોટો પડકાર : મગફળીમાં ભેળસેળ, ગોડાઉનના ભાડા અને આગ, બારદાનનો ખરીદ ભાવ વગેરે બાબતે સત્ય બહાર આવે તો કડાકા ભડાકા

રાજકોટ તા.૨૧: ભૂતકાળમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે બોફોર્સ તોપની ખરીદીમાં ભ્રષ્ટાચાર દેશવ્યાપી ચૂંટણીનો મુદ્દો બનેલ તે રીતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મગફળી કૌભાંડ મુખ્ય મુદ્દો બની જાય તો નવાઇ નહિ. વિપક્ષ કોંગ્રેસની સક્રીયતા સૂચક છે. મગફળી કૌભાંડમાં સરકારની આબરૂના ફોતરા ઉડતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઇ ગયો છે.

મગફળીમાં માટીની ભેળસેળ, મગફળીના ગોડાઉનમાં આગ, ગોડાઉનના ભાડાના દર, ભાડે રાખવાના માપદંડ, બારદાનની ખરીદ કિંમત વગેરે બાબતે તટસ્થ ઉંડી તપાસ થી સત્ય બહાર આવે તો કડાકા-ભડાકાની પ્રબળ સંભાવના હોવાનું વિશ્લેષક વર્તુળો માની રહયા છે.

૧૯૮૭ના અરસામાં સ્વીડનની હથીયાર કંપની બોફોર્સ દ્વારા ભારતીય સેના માટે તોપ વેંચવાના બદલામાં કરોડો રૂપિયાની દલાલી ચૂકવાયાની વાત બહાર આવી હતી. ભારતીય રાજકારણમાં આ પ્રકરણ બોફોર્સ કૌભાંડ તરીકે જાણીતું છે. બોફોર્સ કાંડની મોટી અસર ચૂંટણીમાં જોવા મળેલ. બોફોર્સ કૌભાંડ અને મગફળી કૌભાંડ વચ્ચે ઘણો ફેર છે છતા આર્થિક લેવડ-દેવડનો આક્ષેપિત મુદ્દો બન્નેમાં સમાન છે. મગફળી કૌભાંડની તોપ પણ સરકાર સામે મંડાયેલી છે. સરકારે મગફળીમાં ભેળસેળ પ્રકરણમાં ૨૭ થી વધુ શખ્સોની ધરપકડ કરી છે. બારદાન સળગવાના પ્રકરણમાં ગુન્હો નોંધાયો છે. ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં હાઇકોર્ટના નિવૃત જજ પાસે તપાસ કરાવવાનું જાહેર થયું છે. સરકાર કોઇને છાવરવા માંગતી નથી તેવા દાવા છતા સરકાર પર આક્ષેપોનો મારો ચાલું છે. ટેકાના ભાવે મગફળી ખરીદીને સરકારે મેળવેલ આબરૂનું ધોવાણ થઇ રહયું છે.

ભાજપ માટે ગુજરાત એ દેશમાં મોડેલ ગણાય છે. ગુજરાતની પ્રજાનો મિજાજ જ અલગ છે. કોઇ મુદ્દો પકડાઇ જાય તો તેની ચૂંટણીમાં મોટી અસર થઇ શકે છે. ભૂતકાળમાં ગુજરાતની વિવિધ ચૂંટણીઓમાં જે-તે સમયના મુદ્દાઓ નિર્ણાયક બન્યાના દાખલા છે. કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. જો લોકસભાની ચૂંટણી સુધી આ મુદ્દો  ગાજતો રહે તો ભાજપને મોટુ નુકશાન થવાની ભીતિ છે.

(3:56 pm IST)