ડાકોરની બજારમાં નજર ચૂકવી યુવતી એક લાખની મતા વાળી થેલી તફડાવી છૂમંતર
ડાકોર:ના ભરબજારમાં ચાર દિવસ અગાઉ બેંકમાંથી પૈસા ઉપાડી ઘરે જતાં ભદ્રાસા ગામના એક ઈસમની બાઈક પર ભરવેલી રૂપિયા એક લાખની મત્તાવાળી થેલી એક યુવતિ નજર ચુકવી તફડાવી ગઈ હતી. આ બનાવના ચાર દિવસ બાદ પણ પોલીસને આ યુવતિની ભાળ મળી નથી. ચીલઝડપના ગુનામાં માહિર ગેંગ ડાકોરમાં સક્રિય ના બને તે માટે આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા સક્રિય બની છે. જો કે યુવતિ સાથેની ચીલઝડપ કરતી ટોળકી અન્ય હાથફેરો કરે તે અગાઉ તેને ઝડપી લેવા માંગ થવા પામી છે.
ભદ્રાસામાં રહેતા રાજેન્દ્રસિંહ વજેસિંહ રાઉલજી ગત તારીખ ૧૭ જુલાઈના રોજ બેંકમાંથી ઉપાડેલ રૂા. એક લાખ મૂકેલ થેલી મોટરસાઈકલ ઉપર હુકમાં ભરાવી વિશ્વકર્મા મંદિર નજીક બજારમાં ઉભેલી લારી ઉપરથી શાકભાજી ખરીદતા હતાં. ત્યારે અજાણી ઠગ મહિલા મોટર સાઈકલ ઉપર ભરાવેલ રોકડ મુકેલી થેલીને ચોરી કરી છુમંતર થઈ ગઈ હતી. જેથી ડાકોર પોલીસે ચોરીનો ગુનો નોંધી બજાર વિસ્તારમાંથી સીસીટીવી ફુટેજ મેળવ્યાં હતાં. આ સીસીટીવી ફુટેજને આધારે ડાકોર પોલીસે રોકડ ભરેલી થેલી ચોરી જનાર ઠગ મહિલાને ઝડપી પાડવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
ડાકોરમાં ચીલઝડપના ગુના આચરવા યુવતિઓ સાથેની ગેંગ સક્રિય બની રહી છે. ત્યારે વાર-તહેવારે મંદિરમાં દર્શન કરવા આવતાં લોકોના માલસામાનની સલામતીનો પ્રશ્ન પણ ઉભો થવા સાથે લોકોમાં ચિંતા પણ વ્યાપી હોવાનું જાણવા મળે છે.