ગુજરાત
News of Monday, 21st June 2021

સુરતના સરથાણા પાસે તક્ષશિલા અગ્નિકાંડમાં 13 આરોપીઓ સામે 5 જુલાઈથી શરૂ થશે સુનાવણી

આ ભીષણ આગમાં 22 જેટલા માસૂમના કરૂણ મોત નિપજયા હતા.

સુરતના સરથાણા પાસે થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં અંદાજે 22 માસૂમના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ સામે અદાલતે ચાર્જ ફ્રેમ કર્યો હતો. જો કે આરોપીઓએ ગુનો કબૂલ નથી તેવું કહેતા ઇન્સાફી કાર્યવાહી માટે 5 જુલાઈની મુદ્દત રાખવામાં આવી હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિરલ ચલિયા વાળા અને રાજેશ ઠાકરરિયાએ જણાવ્યું છે.

આ ગુનામાં મનપાના કર્મચારી અતુલ ગોરસ વાળાને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી હોવાને કારણે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો નથી. કેસની વિગત એવી છે કે લોકસભા 2019 ની ચૂંટણીની મતગણતરીના બીજા દિવસે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના એક ટ્યુશન ક્લાસમાં આગ ભભૂકી ઉઠી હતી અને આ ભીષણ આગમાં 22 જેટલા માસૂમના કરૂણ મોત નિપજયા હતા.

પોલીસે આઈપીસી કલમ 304 મુજબનો ગુનો નોંધીને તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુપરત કરવામાં આવી હતી. ડીસીબીએ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર પીડી મુન્શી, ડેપ્યુટી ફાયર ઓફિસર જયેશ સોલંકી સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

(9:37 pm IST)