ગુજરાત
News of Monday, 21st June 2021

સુરતના ભેસ્તાન સરસ્વતી આવાસમાં પોપડા પડતા મધ્ય પ્રદેશની ૧ વર્ષની બાળાનું મોતઃ ઇજાગ્રસ્ત માતા-પિતાને પુત્રીના મોતથી અજાણ રખાયા

સુરત: ભેસ્તાન સરસ્વતી આવાસમાં રાત્રી દરમિયાન ઘરમાં પોપડા પડ્યા હતા. આ ઘટનામાં પરિવારને ઈજા થઇ હતી. જેમાં પતિ-પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 1 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટનાને લઈને ત્યાંના રહેવાસીઓ રોષે ભરાયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે રોષ વ્યક્ત કર્યો હતો.

સુરતના પાંડેસરા ભેસ્તાન સ્થિત સરસ્વતી આવાસ આવેલું છે. આ આવાસના એક બિલ્ડીંગમાં પ્રદીપ ખાંડે તેમની પત્ની આશા અને 1 વર્ષીય બાળકી સિયા સાથે રહે છે. ગત રાત્રીના સમયે પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો તે દરમિયાન ઘરના પોપડા પરિવાર પર પડ્યા હતા. આ ઘટનાને લઈને આવાસમાં અફરાતફરી મચી જવા પામી હતી.

બીજી તરફ રહીશો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પરિવારજનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં માતા-પિતાને ગંભીર ઈજાઓ થઇ છે તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તો બીજી તરફ 1 વર્ષીય સિયા પ્રદીપ ખાંડેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાંડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસુમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસુમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

રહીશોએ સિવિલ બહાર નોંધાવ્યો વિરોધ

સરસ્વતી આવાસ જર્જરિત થઇ ગયું છે. જેને લઈને અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. જો કે, પોપડા પડવાની ઘટનામાં આખરે એક બાળકીનું મોત નીપજ્યું છે જેને લઈને ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા. આવાસની મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે આવાસ ખુબ જ જર્જરિત છે જેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. અનેક ફરિયાદો કરી છે પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી અને આજે આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.

ગતરોજ ગોલવાડમાં જર્જરિત મકાન ધરાશાહી થયું હતું

ઉલ્લેખનીય છે કે ગતરોજ જ સુરતના ગોલવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાહી થયું હતું જેમાં એક બાળક અને એક મહિલાને ઈજા થઇ હતી. ત્યારે સુરતમાં બે દિવસમાં આ પ્રકારની બે ઘટનાઓ સામે આવી છે. ત્યારે મનપા દ્વારા આવા જર્જરિત ઈમારતોમાં જીવના જોખમે જીવતા લોકો માટે આળસ ખંખેરી યોગ્ય પગલા ભરે તે ખુબ જ જરૂરી બન્યું છે.

(5:29 pm IST)