ગુજરાત
News of Friday, 21st June 2019

જેલમાં ગાડી નીચે પડતુ મૂકી કેદી દ્વારા કરાયેલો આપઘાત: બનાવથી જેલના કેદીઓમાં ભારે ચકચાર

પાકા કામનો કેદી પ્રકાશ ખોડાજી ઠાકોર હત્યાના ગુનામાં જેલમાં સજા ગાળી રહ્યો હતો અને માનસિક તાણમાં હતો

અમદાવાદ,તા.૨૧: અમદાવાદની સાબરમતી જેલમાંથી આજે ફરી એકવાર એક કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સાબરમતી જેલમાં આ કેદીએ ગાડી નીચે પડતું મૂકીને અચાનક આત્મહત્યા કરી લેતાં જેલના અન્ય કેદીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પાકા કામના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોરે માનસિક તાણમાં આ પગલુ ભર્યુ હોવાનું મનાઇ રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી ૩૪ વર્ષીય પ્રકાશ ખોડાજી ઠાકોરે આજે અચાકનક જેલમાં આવતા વાહન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાકા કામના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોર હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપતો હતો. પ્રકાશે માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે. જો કે, વાહન નીચે પડતુ મૂકયું ત્યારે કોઇની નજર કેમ ના પડી અથવા તો તે કેવી રીતે વાહન સુધી પહોંચવામાં સફળ થયો તે વાતને લઇને પણ સવાલો ઉભા થયા છે. હાલ તો, પોલીસે આ કેસમાં જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીની નીચે પડતું મુકી આપઘાતને લઇ પ્રશ્નો ઉઠ્યા છે.

(9:37 pm IST)