ગુજરાત
News of Friday, 21st June 2019

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ દ્વારા બે દિવસીય એવોર્ડ કાર્યક્રમ થશે

માંડવીયા, નીતિન પટેલ સહિતના મહાનુભાવો પહોંચશે :અમદાવાદમાં ૨૨ અને ૨૩ જૂન દરમ્યાન યુનિ કન્વેન્શન સેન્ટરમાં સમિટ : મશીનરી એક્ઝિબિશન અને એવોર્ડસ

અમદાવાદ,તા.૨૦ : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન (જીસીએ) દ્વારા અમદાવાદમાં તા. ૨૨ અને ૨૩ જૂન ૨૦૧૯નાં રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે વાયબ્રન્ટ સમીટ,મશીનરી એકઝીબીશન એન્ડ એવોર્ડસ -૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી ચાલનારા આ બહુ મહત્વના એવોર્ડ સમારંભમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ,  કેન્દ્રના શીપીંગ(સ્વતંત્ર હવાલો),રસાયણો અને ખાતર વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીય, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.નાં ચેરમેન શ્રી એસ.એસ.રાઠોર સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તા.૨૨ અને ૨૩ જૂન એમ બે દિવસ માટે મોટાપાયે યોજાઇ રહેલા આ વાયબ્રન્ટ સમીટ, મશીનરી એકઝીબીશન અને એવોર્ડ સમારંભ અંગે માહિતી આપતાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનનાં ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ અને વાઈસ ચેરમેન શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, આ એવોર્ડ સમારંભમાં રોડ એન્ડ બિલ્ડીંગ, ઇરીગેશન, બ્રીજ, સ્પેશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની ૩૦ જેટલી વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે બહુ જ સન્માનીય એવો લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ યોગ્ય ઉમેદવારને આપવામાં આવશે. આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ક્રેડાઈ ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ શ્રી જક્ષય શાહ, જીઆઈસીઈએનાં ઇમીડિએટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને એનએચવીએફનાં પ્રેસિડેન્ટ શ્રી ભાર્ગવ એચ દેસાઈ, દિલીપ બિલ્ડકોમ લિ.નાં સીઈઓ શ્રી દેવેન્દ્ર જૈન અને એપ્કો ઈન્ફ્રોટેકપ્રા. લિ.નાં એમડી શ્રી અનિલકુમાર સિંઘ, કેએનઆર કન્સ્ટ્રકશન લિ.નાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીએફઓ શ્રી કામિદી જલધર રેડ્ડી સહિતના મહાનુભાવો પણ ખાસ હાજરી આપશે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનનાં ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ અને વાઈસ ચેરમેન શ્રી કે.કે. પટેલે વધુમાં ઉમેર્યું કે,ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન વાયબ્રન્ટ સમિટ, મશીનરી એકઝીબીશન અને એવોર્ડ ૨૦૧૯ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૨૦૦૦ થી વધુ ડેલિગેટસ અને કુલ ૫૦૦૦ થી વધુ કોન્ટ્રાક્ટર હાજર રહે તેવી ધારણા છે. આ સમારંભમાં બાંધકામ ક્ષેત્રનાં કુલ ૩૦ એવોર્ડસ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનાં હસ્તે એનાયત કરવામાં આવશે. કાર્યક્રમનાં સ્થાને બાંધકામમાં જુદી-જુદી મશીનરીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. જેની મુલાકાત લઈ આવેલા ડેલિગેટસ પોતાના જ્ઞાન અને જાણકારીમાં વૃધ્ધિ કરી શકશે. દરમ્યાન જીસીએનાં સેક્રેટરી શ્રી કમલેશ શાહે જણાવ્યું કે, ૧૯૫૯માં સ્થપાયેલું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન બાંધકામને લગતા નાના મોટા પ્રશ્નો હલ કરવામાં પ્રયત્નશીલ છે. ભારતમાં સૌથી વધુ રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો ગુજરાતમાં છે. જેની સંખ્યા અંદાજે ૮૦૦૦ જેટલી છે. ભારતમાં કૃષિ ઉદ્યોગ પછી બાંધકામ ઉદ્યોગ બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ છે, જેનાથી દેશનાં ૭.૫ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે રોજગારી મળે છે. જીસીએ દ્વારા કોન્ટ્રાક્ટરોને કામના બજેટ, ટેન્ડરની શરતોમાં ફેરફાર, નવી પ્રોડક્ટની ઓળખાણ, નવી ટેકનોલોજી તથા નવી મશીનરીની જાણકારી, કોર્ટોમાં કે ટ્રિબ્યુનલમાં બાંધકામને લગતા પ્રશ્નોને લગતા ચુકાદા જાણ, સરક્યુલર, સેમિનાર, વર્કશોપ તથા ઈ-મેઈલ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત કોન્ટ્રક્ટર એસોસિએશનના બાંધકામને લગતા ઘણા પ્રશ્નો હલ કરવાના બાકી છે. તેનો વિચાર વિમર્શ સભ્યો સાથે મળીને પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો ચાલુ છે. આ એસોસિએશન બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે એફીલેટેડ (જોડાયેલ) છે. કેન્દ્ર સરકારમાં પ્રશ્નોની રજૂઆત બી.એ.આઈ. સાથે રહી કરવામાં આવે છે.

બાંધકામ દરમ્યાન ઉભા થતાં વિવાદો પતાવવા આર્બીટ્રેશનની જોગવાઈ ટેન્ડરમાં હોય છે. પરંતુ કાનૂની આંટીઘુટીના કારણે આર્બીટ્રેશનની પ્રક્રિયા પછી થયેલા કરોડો રૂપિયાના એવોર્ડસનું ચૂકવણું થવામાં કોન્ટ્રાકટરોને ભારે વિલંબ થાય છે અને આની ચાલુ કામોમાં સીધી અસર થાય છે. આ બાબતે કેન્દ્ર તથા રાજ્યના નાણાં જલદી છૂટાં થાય અને નવા તથા ચાલુ વિકાસના કામો ઝડપથી પુરા કરી શકાય જેથી રાષ્ટ્રીય વિકાસની ઝડપ વધે તેમજ ગુજરાત રાજ્યમાં તમામ ટેન્ડરોમાં લવાદના કાયદાની જોગવાઈ નથી તે દાખલ કરવામાં પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરાઇ છે. ગુજરાતમાં પણ ટ્રિબ્યુનલની જગ્યાએ આર્બીટ્રેશન એક્ટ મુજબ ક્લોઝ રાખવાની અમારી માંગણી છે.

(9:59 pm IST)