ગુજરાત
News of Thursday, 21st June 2018

વડોદરા જિલ્લા પંચાયતમાં સતા જાળવી રાખી : ભાજપને કોંગ્રેસના ત્રણ ક્રોસવોટિંગ સભ્યોનું પણ કામ ના લાગ્યું

વડોદરા જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ મેળવવા ભાજપે ભારે ધમપછાડા કર્યા હતા. જોકે  કોંગ્રેસે અઢી વર્ષની ટર્મ માટે પોતાની સત્તા જાળવી રાખી હતી.આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પન્નાબહેન ભટ્ટ અને ઉપપ્રમુખ મુબારક પટેલ તરીકે ચૂંટાઇ આવ્યા છે. કોંગ્રેસના 3 સભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. આમ છતાં ભાજપા સત્તા મેળવી શક્યું ન હતું. વડોદરા જિલ્લાની 8 તાલુકા પંચાયતો પૈકી 5 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ અને 3 તાલુકા પંચાયતમાં ભાજપાએ સત્તા મેળવી હતી.

  વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને સમગ્ર સભા મળી હતી. પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી પન્નાબહેન ભટ્ટ અને કોંગ્રેસમાંથી બળવો કરીને ઇલાબહેન ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી મુબારક પટેલ અને ભાજપામાંથી કમલેશ પરમારે ઉમેદવારી નોંધાવી હતી.

 સમગ્ર સભામાં ઉપસ્થિત સભ્યોના હાથ ઉંચા કરાવીને કરવામાં આવેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ ઉમેદવાર પન્નાબહેન ભટ્ટ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર મુબારક પટેલને 19 મત મળ્યા હતા. જ્યારે પ્રમુખના પદના હરીફ ઉમેદવાર ઇલાબહેન ચૌહાણ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર કમલેશ પરમારને 17 મત મળ્યા હતા.

  વડોદરા જિલ્લાની 8 તાલુકા પંચાયતો પૈકી કોંગ્રેસે ડભોઇ, કરજણ, પાદરા, શિનોર અને ડેસર તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી. જ્યારે સાવલી, વાઘોડિયા અને વડોદરા તાલુકામાં ભાજપાએ સત્તા હાંસલ કરી છે. ભાજપાએ વાઘોડિયા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. તો કોંગ્રેસે પાદરા તાલુકા પંચાયત ભાજપા પાસેથી આંચકી લીધી છે.

(8:35 pm IST)