ગુજરાત
News of Saturday, 21st May 2022

પાટણમાં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકૂલનું નિર્માણ કાર્ય પૂર્ણ: પાંચ જિલ્લાના રમતવીરોને લાભ

ઇન્ટર કોલેજ અને ઈન્ટર યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધાઓની તૈયારી માટે આ સંકુલ ઉપયોગી બનશે

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રૂપિયા 8.50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે અધ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનો હેતુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રમતગમતની ઉત્તમ સુવિધા તાલીમ સાથે મળી રહે અને વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તે છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કાર્ય 2018માં શરુ થયું હતું જેનું કામ 2022માં પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં ત્રણ મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, લોન ટેનીસ, ખોખો, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડોની રમતો રમી શકાશે. આ સંકુલમાં 1000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત બિલિયર્ડ અને જીમ માટેની અલગ સુવિધા કરવામાં આવી છે.

તેમજ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર નવા શૈક્ષણિક સત્રમાં આ સંકુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ સંકુલમાં જરૂરી સાધનો લાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા નવા ત્રણ કોચની ભરતી કરવામાં આવશે.

આ સ્પોર્ટસ સંકુલનો લાભ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અને સાબરકાંઠા જિલ્લાની 500થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓને થશે. પાટણ યુનિવર્સિટીમાં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી ઇન્ટર કોલેજ અને ઈન્ટર યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધાઓની તૈયારી માટે આ સંકુલ ઉપયોગી બનશે.

(8:47 pm IST)