ગુજરાત
News of Tuesday, 21st May 2019

અમદાવાદ : મેરા ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન

અમેરિકામાં નવા ભારતની ઉજવણી કરવા તૈયારી : રાજકારણ, બિઝનેસ, બોલિવુડ, ઢોલિવુડ, શિક્ષણ, ધાર્મિક સહિતના તમામ ક્ષેત્રના અનેક મહાનુભાવ હાજરી આપશે

અમદાવાદ,તા. ૨૧ : ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો, શિક્ષણ, બિઝનેસ સહિતના તમામ ક્ષેત્રમાં નવા ભારતની ઓળખ ઉજાગર કરવા અને ભારતની નવી પેઢીને દેશના ગૌરવવંતા વારસાને વૈશ્વિક સ્તરે ચરિતાર્થ કરવાના આશયથી અમેરિકા(યુએસએ)માં ન્યુજર્સી ખાતે આગામી તા.૩૦ તથા ૩૧ ઓગસ્ટ અને અને ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ એમ ત્રણ દિવસનો ભવ્ય મેરા ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયા-૨૦૧૯ મેગા કલ્ચરલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકારણ, બિઝનેસ, બોલીવુડ, ઢોલીવુડ, શિક્ષણ, તબીબ, સ્પોર્ટસ, ધાર્મિક સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાંથી અનેક મહાનુભાવો હાજરી આપશે. ૈતિહાસિક એવી આ ઇવેન્ટમાં ૫૦ હજારથી વધુ ભારતીયો ભાગ લેશે. અમેરિકા ખાતે યોજાનારા આ ત્રિદિવસીય મેગા કલ્ચરલ શોમાં નવા ભારતની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે એમ અત્રે ફ્રેન્ડસ ઓફ ગુજરાતના યુએસએ ચેપ્ટરના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેરા ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯ એક અદભૂત અને અનોખો માર્ગ છે, જેના દ્વારા આપણી ભાવિ પેઢીઓને આપણી સોનેરી ભૂમિ અને ભવ્ય સંસ્કૃતિના વારસાની ઓળખ આપી શકાશે. જે વિશ્વભરમાં વસતા ભારતીયો માટે પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. જેથી તેઓ પોતાના દેશ સાથે મજબૂત નાતો જાળવી શકે અને ભાવિ બિઝનેસ અને કમ્યુનિટી લીડરશીપ માટે નવું ખેડાણ કરી શકે. આ વિઝન અને મિશન સાથે મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯નું બહુ મોટાપાયે આયોજન કરાયું છે. તા.૩૦ ઓગસ્ટથી તા.૧લી સપ્ટેમ્બર,૨૦૧૯ એમ ત્રણ દિવસ સુધી અમેરિકાના ન્યુ જર્સી ખાતે યોજાનારી ભવ્ય કોન્ફરન્સમાં સૌપ્રથમવાર ૫૦ હજારથી વધુ ભારતીયો ભાગ લેશે. તો સાથે સાથે રાજકારણ, બિઝનેસ, બોલીવુડ, ઢોલીવુડ, શિક્ષણ, તબીબ, સ્પોર્ટસ, ધાર્મિક સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં અનેક મહાનુભાવો હાજરી આપશે. ઉપરાંત ૩૦૦થી વધુ ટ્રેડશો-એક્ઝિબિટર્સ પણ સામેલ થશે. ફ્રેન્ડસ ઓફ ગુજરાત યુએસએ ચેપ્ટરના પ્રમુખ કિરીટ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, મેરા ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયાનો કોન્સેપ્ટ વિકસતા ભારતમાં યોગદાન આપનાર માધ્યમ બનશે. અમારૂ મિશન સ્પિરિટ ઓફ ન્યૂ ઇન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરવાનું છે. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા યુએસએમાં વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત,  ૨૦૧૩માં  ભવ્ય અને દિવ્ય ગુજરાત, ૨૦૧૬માં ગતિશીલ ગુજરાત-ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬નું આયોજન કરાયું હતું અને હવે આ વર્ષે ૨૦૧૯માં મેરા ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયા-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ રાઈઝીંગ ભારતમાં યોગદાન આપવાનું માધ્યમ બનશે અને એટલું જ નહીં પણ આ કોન્ફરન્સમાં દરેક માટે  કંઈક હશે, જે પછી બિઝનેસ મીટ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ધાર્મિક કાર્યક્રમો કે પ્રદર્શનો કે ઇવેન્ટસ હોય. ફ્રેન્ડસ ઓફ ગુજરાત એ યુએસએ સ્થિત નોનપ્રોફિટ સંસ્થા છે. તેની સ્થાપના ૨૦૧૦માં એનઆરજી કિરીટ પટેલ દ્વારા અન્ય અત્યંત પ્રેરિત અને આતુર  નોન-રેસિડન્ટ ગુજરાતીઓના જૂથ સાથે મળીને થઈ હતી. જેમાં આપણે માતૃભૂમિને કાંઈક પરત કરવાની ભાવના તથા ભારત અને યુએસએ વચ્ચે કલચરલ તથા બિઝનેસ એક્સચેન્જને પ્રોત્સાહન આપવાનું વિઝન છે. તેનું મુખ્ય મિશન એવા બાળકોને સપોર્ટ કરવાનું છે જેઓ સરહદે તેમના વાલીઓને ગુમાવી ચુક્યા છે. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દૃઢપણે સંવાદ, વિચારો અને બિઝનેસ એક્સચેન્જમાં માને છે કે જેનાથી ભારતને વધુ નવી ઊંચાઈએ પહોંચાડી શકાય અને તે વધુ પ્રકાશમય બને.

(9:05 pm IST)