ગુજરાત
News of Tuesday, 21st May 2019

મતગણતરીને લઇ તંત્ર દ્વારા ચોકસાઇ : ઉત્સુકતા વધી છે

મતગણતરીમાં સૌપ્રથમવાર નવા સોફ્ટવેર : પોલીટેકનીક કોલેજ-ગુજરાત કોલેજ ખાતે રાજય ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની પ્રક્રિયાનો ટ્રાયલ રન પણ યોજાયો

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરની લોકસભા બેઠકોની મતગણતરી તા.૨૩મી મેના રોજ હાથ ધરાનાર છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં પણ પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે રાજય ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની પ્રક્રિયાનો ટ્રાયલ રન યોજયો હતો. મતગણતરીના દિવસે તા.૨૩મી મેએ કોઇપણ જાતની સમસ્યા ના ઉદ્ભવે અને ભારે ચોકસાઇ અને તટસ્થતાપૂર્વક મતગણતરીની પારદર્શક પ્રક્રિયા હાથ ધરાય તે માટે સમગ્ર સીસ્ટમની  ટ્રેનીંગ પણ જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવી હતી. આ વખતે મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે નવુ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે તેનો સૌપ્રથમવાર ઉપયોગ કરવામાં આવનાર છે. બીજીબાજુુ, મતગણતરીને લઇ પોલીટેકનીક અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવાઇ છે.મતગણતરી દરમ્યાન અત્યાર સુધી જીનેસીસ સોફ્ટવેરની મદદથી મતગણતરીના આંકડાની આપલે કરવામાં આવતી હતી હવે તેની જગ્યાએ આ નવુ સુવિધાયુકત અને ચોકસાઇવાળુ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં ટ્રાયલ રન દરમ્યાન મતગણતરી વખતે મતોની આંકડાકીય માહિતી, પત્રક, કોમ્પ્યુટર કનેકટીવીટી, ટેબલ, ઇન્ટરનેટની સ્પીડ સહિતની કામગીરી ચકાસણી કરવામાં આવી હતી. આ માટે દરેક લોકસભા બેઠક રિટર્નીંગ ઓફિસર અને આસીસ્ટન્ટ રિટર્નીંગ ઓફઇસરને તાલીમ આપવામાં આવી હતી. મતગણતરી માટે કુલ ૨૫૦૦થી વધુ કર્મચારીઓ-અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહી, તા.૨૩મી મેની મતગણતરીને લઇ કલેકટર કચેરીમાંથી જ ૩૦૦થી વધુ કર્મચારીઓ ત્યાં ફરજમાં તૈનાત રહેશે. મતગણતરીમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ(ઇપીબીએસ)ની મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઇવીએમ અને વીવીપેટની ગણતરી કરવામાં આવશે.  તેમાં પોસ્ટલ બેલેટની ગણતરી, ઇવીએમ રાઉન્ડ વાઇઝ ગણતરી કેવી રીતે કરવી અને આંકડા કઇ રીતે મોકલવા તે સહિતના મુદ્દાઓને લઇ પાંચ કલાક સુધી નિષ્ણાતો દ્વરા તાલીમ અપાઇ હતી. દરમ્યાન તા.૨૩મી મેના રોજ મતગણતરીના દિવસે મતગણતરીમાં કોઇ અગવડતા ના પડે અને ટ્રાફિક સુચારુ ચાલે તે હેતુથી પોલીટેકનીક અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે મતગણતરીના દિવસે તા.૨૩મીએ સવારે છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી પોલીટેકનીક અને ગુજરાત કોલેજ વિસ્તારને નો ટ્રાફિક ઝોનમાં મૂકી દેવાયા છે. જેથી ટ્રાફિકને લઇ કે અન્ય કોઇરીતે બીજો કોઇ પ્રશ્ન કે સમસ્યા ના ઉદ્ભવે. મતગણતરીને લઇ પોલીટેકનીક અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષા કવચ પણ ખડકી દેવાયું છે કે જેથી કોઇપણ અનિચ્છનીય ઘટના ના ઘટે. સાથે સાથે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મતગણતરીના પ્રક્રિયા સંપૂર્ણરીતે સંપન્ન ના થાય ત્યાં સુધી એલર્ટ પર રાખી દેવાયા છે.

(8:32 pm IST)