ગુજરાત
News of Tuesday, 21st May 2019

માહી ડેરી દ્વારા દૂધની ખરીદીનો કિલો ફેટનો ભાવ રૂ.૬૧૦ કરાયોઃ પશુપાલકોમાં હરખની હેલી

પશુદાણના ભાવમાં પણ પશુપાલકોને બેગદીઠ રૂ.૧૦૦ની સબસીડી

રાજકોટઃ તા. ર૧, રાજયમાં ગત વર્ષે અનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડયો હતો. એક બાજુ હાલ કાળઝાળ ઉનાળાની ગરમીથી સમગ્ર રાજયમાં પાણીની તીવ્ર ખેંચ ઉદભવી છે અને જગતનો તાત ચિંતામાં પડી ગયો છે. તેમાં પણ પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઇ છે ત્યારે સૌરાષ્ટ્ર - કરછના ખેડૂતોની પોતાની કંપની માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ સીધો રૂ.૨૦ નો ઐતિહાસિક વધારો કરી કિલો ફેટના ભાવ રૂ. ૬૧૦ કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે. તેની સાથે સાથે પશુપાલકોની સ્થિતિને ધ્યાને લઇને પશુદાણના ભાવમાં પણ પશુપાલકોને બેગદીઠ રૂ.૧૦૦ની સબસીડી આપવાનો નિર્ણય કંપનીના નિયામક મંડળ દ્વારા કરાતા પશુપાલકોનો આનંદ બેવડાઇ ગયો છે.

 લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓએ દાણની બેગના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીંકયો છે અને તેના કારણે પશુ નિભાવણી ખર્ચમાં કમ્મરતોડ વધારો થયો છે. પશુપાલકોની આ સ્થિતિને ધ્યાને લઇને દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપનીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ઐતિહાસિક વધારો કરવાનો નિર્ણય લેતા કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં સીધો રૂ. ર૦ નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ. ૬૧૦ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજથી જ અમલમાં આવ્યો છે.

 રાજયમાં પશુદાણ બનાવતી અનેક કંપનીઓએ પશુદાણના ભાવમાં તોતિંગ વધારો ઝીતા પશુપાલકોને પશુ પાલન પાછળ થતા ખર્ચમાં પણ વધારો થયો છે ત્યારે કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોની વેદનાને સમજી તેમની પોતાની કંપની માહીં કંપનીના નિયામક મંડળ દ્વારા પશુઓને પૂરતું પોષણ મળી રહે તે માટે તમામ પશુદાણની બેગદીઠ રૂપિયા ૧૦૦ની સબસીડી આપવાની જાહેરાત કરાતા કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોનો આનંદ બેવડાઈ ગયો છે. તેની સાથે સાથે પશુઓને પોષણમાં કોઇ ઉણપ ન રહી જાય તે માટે મીનરલ મિરના ભાવમાં પણ પ્રતિ કિલો રૂપિયા ૨૦ની સબસીડી આપવાનો નિર્ણય પણ વિચારણા હેઠળ છે. માહી કંપની દ્વારા કરાયેલા આ દૂધ ખરીદ ભાવ વધારાને કારણે તેમજ પશુદાણમાં જાહેર કરાયેલી સબસીડીના કારણે પશુપાલકોની સમસ્યા મહદ અંશે હળવી બનશે.   માહી ડેરી. દ્વારા દૂધ ઉત્પાદક સભ્યોના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણયના કારણે પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

(2:02 pm IST)