ગુજરાત
News of Tuesday, 21st May 2019

ધો.૧૦નું ૬૬.૯૭% પરિણામ : A1 ગ્રેડમાં ૪૯૭૪ છાત્રો

સુપાસી કેન્‍દ્ર ૯૫.૫૬% સાથે ગુજરાત ફર્સ્‍ટ તો સુરત જિલ્લો ૭૯.૬૩ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ : ૧૦૦% પરિણામ મેળવતી ૩૬૬ શાળાઓ ૦% પરિણામ મેળવતી ૬૩ શાળાઓ : રાજકોટ જિલ્લાનું ૭૩.૯૨% પરિણામ : કુમારોનું પરિણામ ૬૨.૮૩% : કન્‍યાઓનું પરિણામ ૭૨.૬૪%

રાજકોટ, તા. ૨૧ : રાજયના સવા ૧૧ લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્‍યો છે. આજે સવારે ૮ કલાકે ધો.૧૦નું પરિણામ ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થયુ છે. ધો.૧૦નું પરિણામ ૬૬.૯૭% આવ્‍યુ છે.

ધો.૧૦ એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. ધો-૧૦ની પરીક્ષામાં કુલ ૮,૨૮,૯૪૪ નિયમિત ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, એમાંથી ૫,૫૧,૦૨૩ ઉમેદવારો પરીક્ષામાં ઉતીર્ણ થતાં ૬૬.૯૭% પરિણામ જાહેર કરવામાં આવે છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૧૭.૨૩% આવેલ છે તથા ખાનગી ઉમેદવારોનું પરિણામ ૧૦.૧૩% આવેલ છે.

રાજયનો સુરત જિલ્લો ૭૯.૬૩% પરિણામ સાથે પ્રથમ ક્રમે આવેલ છે, જયારે છોટાઉદેપુર જિલ્લો ૪૬.૩૮% સાથે છેલ્લા ક્રમે આવેલ છે. (ગત વર્ષ માર્ચ ૨૦૧૮માં પણ સુરત જિલ્લો ૮૦.૦૬% સાથે પ્રથમ ક્રમે આવેલ હતો.) ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્‍દ્ર ૯૫.૫૬% પરિણામ મેળવી પ્રથમ ક્રમે રહેલ છે, જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્‍દ્ર પણ ગીર સોમનાથ જિલ્લાનું છે. આ જિલ્લાના તડ કેન્‍દ્રનું પરિણામ ૧૭.૬૩% આવેલ છે, જે સમગ્ર રાજયમાં સૌથી ઓછું છે.

કુમાર ઉમેદવારોનું પરિણામ ૬૨.૮૩%, જયારે કન્‍યાઓનું પરિણામ ૭૨.૬૪% આવેલ છે. ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્‍યા ૩૬૬, જયારે ૦% ધરાવતી શાળાઓ ૬૩ છે. ૯૯૫ શાળાઓનું પરિણામ ૩૦% કરતાં ઓછું આવેલ છે.

ગુજરાતી માધ્‍યમના ઉમેદવારોનું પરિણામ ૬૪.૫૮% છે, જયારે અંગ્રેજી માધ્‍યમનું ૮૮.૧૧% અને હિન્‍દી માધ્‍યમનું પરિણામ ૭૨.૬૬% છે. આ વર્ષે ૬૧૪૨ દિવ્‍યાંગ ઉમેદવારોનું પરીક્ષા આપેલ હતી, જેમાંથી ૮૭૨ ઉમેદવારો ૨૦.૦૦% પાસીંગ સ્‍ટાન્‍ડર્ડથી પાસ થયા છે.

એનસીઈઆરટી પાયલોટ પ્રોજેકટ હેઠળ સુરત જિલ્લાની શાળાઓનું પરિણામ ૭૮.૪૫% આવેલ છે. જયારે સુરત જિલ્લા સિવાયના અન્‍ય જિલ્લાઓની શાળાઓનું પરિણામ ૯૩.૫૧% આવેલ છે.

ચાલુ વર્ષે સૌપ્રથમવાર આરએમએસએ પ્રોજેકટ હેઠળની ૨૦ શાળાઓના ૬૪૫ /વિદ્યાર્થીઓ માટે ૪ વ્‍યવસાયલક્ષી વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ વિષયોમાં બ્‍યુટી એન્‍ડ વેલનેસ, હેલ્‍થ કેર, ટ્રાવેલ ટુરીઝમ અને રીટેઈલનો સમાવેશ થતો હતો.

ચાલુ વર્ષે ગેરરીતિના ૧૧૯ કેસ નોંધાયેલ હતા તથા સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી બાદ ૨૧૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી ગેરરીતિ કરતાં જણાયા હતા. અન્‍ય કારણોસર ૧૬૫૯ ઉમેદવારોનું પરિણામ અનામત રાખવામાં આવ્‍યુ છે.

ધો.૧૦ એસએસસીના જાહેર થયેલા પરિણામમાં એ-૧ ગ્રેડમાં ૪૯૭૪, એ-૨ ગ્રેડમાં ૭૨,૩૭૫, બી-૧ ગ્રેડમાં ૭૦,૬૭૭, બી-૨ ગ્રેડમાં ૧,૨૯,૬૨૯, સી-૧ ગ્રેડમાં ૧,૮૭,૬૦૭, સી-૨ ગ્રેડમાં ૧,૧૯,૪૫૨ અને ડી ગ્રેડમાં ૬,૨૮૮ વિદ્યાર્થીઓ સ્‍થાન પામ્‍યા છે.

ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ન્‍યાયિક માહોલમાં યોજાય તે માટે પરીક્ષા કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા અને ચેકીંગ સ્‍કવોડ મૂકવામાં આવી હતી. ગેરરીતિના ૧૧૯ કેસ થયા હતા.

સૌરાષ્‍ટ્રમાં પરિણામની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં નિયમીત વિદ્યાર્થીઓ ૪૩,૮૬૫ તેમાંથી એ-૧ ગ્રેડ - ૮૬૭, એ-૨ ગ્રેડ - ૩,૪૯૫, બી-૧ ગ્રેડ - ૬૦૩૯ અને બી-૨ ગ્રેડ ૯૦૮૮ મળી કુલ ૭૩.૯૨% આવ્‍યુ છે. અમરેલી જિલ્લામાં ૧૮,૪૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કર્યો હતો. બોટાદ જિલ્લામાં ૯,૫૯૩ વિદ્યાર્થીઓમાંથી ૨૪ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કર્યો હતો અને સરેરાશ પરિણામ ૬૩.૮૪% આવ્‍યુ હતું. જયારે દેવભૂમિ દ્વારકામાં ૮,૪૩૬ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. તેમાં ૨૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કર્યો હતો અને ૭૦.૩૨% જયારે ગીર સોમનાથમાં ૧૭,૫૫૫ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી અને ૪૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કરેલ. કુલ પરિણામ ૭૦.૨૮% જયારે જામનગર જિલ્લાનું પરિણામમાં કુલ ૧૬,૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૬૪ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્‍યો હતો. જિલ્લાનું પરિણામ ૭૦.૬૧% આવ્‍યુ છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ ૭૦.૮૧% આવ્‍યુ છે. એ-૧ ગ્રેડમાં ૧૯૦ વિદ્યાર્થીઓ આવ્‍યા છે. મોરબી જિલ્લામાં કુલ ૧૨,૬૪૩ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૧૬૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પરિણામ પ્રાપ્‍ત કરેલ. કુલ પરિણામ ૭૪.૦૯% આવ્‍યુ છે. પોરબંદર જિલ્લાનું ૬૨.૬૧% પરિણામ આવ્‍યુ છે. ૭,૧૨૦ વિદ્યાર્થીઓમાંથી ૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કરેલ છે. સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૮,૬૨૦ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૧૪૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કરેલ. જેનું કુલ પરિણામ ૬૯.૨૬% આવ્‍યુ છે.

(10:43 am IST)