ગુજરાત
News of Tuesday, 21st May 2019

કામના પ્રેશરથી કંટાળી જજે રાજીનામુ આપી દીધુ

૧૨ પાનાના પત્રમાં પડતી મુશ્કેલીઓ જણાવી

અમદાવાદ તા. ૨૧ : તાજેતરમાં એક ફર્સ્ટ કલાસ જજ દ્વારા રાજીનામું આપતા પોતાની વિદાય નોંધમાં આ માટેનું કારણ કામના ભારણ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધારાધોરણ મુજબના પર્ફોર્મન્સ કરવાના પ્રેશરને જવાબદાર ગણાવ્યું છે.

સુરત કોર્ટના ફર્સ્ટ કલાસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એમ. પંડિતે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમણે ગુજરાત હાઈકોર્ટને એક ઓપન લેટર લખીને કેટલીક જમીન સ્તરની હકીકતથી માહિતગાર કરાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું કે, 'નિચેના સ્તરે ફરજ બજાવતા જયુડિશિયલ ઓફિસર્સને પડતી મુશ્કેલીઓ અંગે જણાવવાની સ્વતંત્રતા.' નામથી ૧૨ પેજનો પત્ર લખ્યો છે. જેમાં તેમણે લોઅર જયુડિસરી ઓફિસરોને પડતી મુશ્કેલી અંગે ખુલીને જણાવ્યું હતું.

તેમના પત્ર અનુસાર હાઈકોર્ટ સહિતની હાયર જયુડિસરી દ્વારા નક્કી કરવામાં આવેલ પરફોર્મન્સ ધોરણોને અનેક નીચલી કોર્ટના જજ પૂરા કરી નથી શકતા જેના મુખ્ય કારણો થોડા થોડા સમયે ટ્રાન્સફર અને કેસના નિકાલ માટે નક્કી કરવામાં આવેલ પોઇન્ટ સિસ્ટમ વગેરે જવાબદાર છે. જયારે પંડિતના લેટરને હાયર જયુડિશરી દ્વારા પોતાની ફરજ પ્રત્યે એક ન્યાય અધિકારી દ્વારા ઉદાસિનતા દર્શાવવા સમાન લેવામાં આવ્યો છે. જોકે આ અંગે હાયર જયુડિશરીની પ્રતિક્રિયા જાણવા ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ એચ.ડી. સુથારનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો જે સફળ રહ્યો નહોતો.

પંડિતે પણ હાઈકોર્ટની પ્રણાલી અને નીચેની કોર્ટ પર તેના કંટ્રોલ અંગે કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવાથી પોતાને દૂર રાખ્યા હતા. પરંતુ તેમણે ટ્રાન્સફરની સિસ્ટમ અને ચોક્કસ સ્થાનો પર કામના ભારણને જયુડિશિયલ ઓફિસર સામે મોટી મુશ્કેલી ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'જયારે કોઈ જયુડિશિયલ ઓફિસરની નિમણૂંક એવા સ્થળે થાય છે. જયાંની પરિસ્થિતિ અને સ્થાનિક જમીની હકીકતોને ધ્યાને રાખતા પોતાની ફરજ ગુણવત્તાયુકત રીતે નિભાવી નથી શકતા ત્યારે તેમના મનમાં થતી માનસિક પીડા ખૂબ જ દુઃખદ હોય છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'સમગ્ર કરિયર દરમિયાન આવી એક કે બે જગ્યાએ પોસ્ટિંગ આવે એટલે ગમે તેટલું સારૂ પરફોર્મન્સ કરતા જયુડિશિયલ અધિકારીની વર્ક પરફોર્મન્સનો ગ્રાફ સાવ તળીયે આવી જાય છે. જેની સીધી અસર તેમના કરિયર ગ્રાફ અને પ્રગતિ પર પડે છે.' કેસના નિકાલ દ્વારા પોઇન્ટ આપવાની સિસ્ટમથી જજોને પડતા પ્રેશર અંગે તેમણે કહ્યું કે, 'પ્રમોશન પોલિસી અને કેસના નિકાલ અંગેના નિમયો અને ધારાધોરણોમાં આમૂલ પરિવર્તન લઇ આવવાની જરુર છે.'

આ સાથે તેમણે હાલની પદ્ઘતિના કારણે નિચલી કોર્ટના જજ કઈ રીતે દારૂબંધી અને ટ્રાફિકની ફરિયાદમાં પણ કેસ ચલાવવાનો પ્રયાસ કરતા હોય છે જયારે આવા કેસમાં ચુકાદો સામે જ દેખાતો હોવા છતા. વધુ કેસના ચુકાદા આપ્યા હોવાનું દર્શાવવા માટે આ રીતે કેસ વધારવામાં આવતા હોવા અંગે પણ તેમણે ધ્યાન દોર્યું હતું.

(10:26 am IST)