ગુજરાત
News of Tuesday, 21st May 2019

ઓઢવમાં દેશી બંદૂક દ્વારા મહિલાએ કરેલ આપઘાત

પતિ ફરાર હોવાથી પોલીસે તપાસ શરૂ કરી : પતિ ખંડણી સહિત વ્યાજખોરી જેવી પ્રવૃતિઓમાં સામેલ

અમદાવાદ,તા.૨૦  : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક મહિલાએ દેશી બનાવટની બંદૂકથી આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસને સૌપ્રથમ મહિલાના મોતથી ઘરકંકાસ અને બીમારીને કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન હતું પરંતુ મહિલાના મોત બાદથી જ તેનો પતિ ફરાર થઈ જતા પોલીસે અનેક શંકાઓ વ્યક્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં શ્રેયા રેસિડેન્સીમાં રહેતા અનિતાબહેન વર્મા નામની પરિણિતા પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતા. તેમના પતિ વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે અનિતાબહેને પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરતા પાડોશીઓ અને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. બીજીબાજુ, બનાવની પોલીસને જાણ થતાં ઓઢવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તબક્કે તપાસ દરમ્યાન, મહિલાએ ઘરકંકાસ અને બીમારીને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવી હતી પરંતુ બીજીબાજુ, બનાવ બાદ મહિલાનો પતિ ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકાને લઇને પણ તપાસનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. જો કે, મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે,  મહિલાનો પતિ અગાઉ ખંડણી સહિત વ્યાજખોરી જેવી ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હતો. ઘટના બાદ પોલીસે આ દિશામાં પણ તપાસ આગળ વધારી છે કે બંદૂક ક્યાંથી આવી અને કોણ લાવ્યું? હાલ ઓઢવ પોલીસ દ્વારા મહિલાના પતિની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓઢવપોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, પરિણિતા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. તેમના પતિ વાપીમાં નોકરી કરે છે. અને અહિંયા અપ-ડાઉન કરતા હોય છે. કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પરંતુ ઝઘડાઓ અને માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા પાસેની રિવોલ્વર લાયસન્સ વાળી હતી કે ગેરકાયદેસર તેની હાલ તપાસ ચાલુ છે. તેના પતિની પણ પૂછપરછ કરી બનાવના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોમાં પણ મહિલાની આત્મહત્યાને લઇ ભારે તર્ક-વિતર્ક અને અટકળો વહેતા થયા હતા.

(9:20 pm IST)