ગુજરાત
News of Monday, 21st May 2018

અમદાવાદના ગીતાનગર બસ સ્‍ટેન્ડ પાસેથી બે શખ્સો પાસે રૂપિયા ૧૦૦ અને પ૦૦ની પાંચ લાખની નકલી નોટ જપ્ત

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે શખ્‍સોને ઝડપી લઇને તેની પાસેથી રૂપિયા ૧૦૦ અને પ૦૦ની નકલી નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી આરંભી છે.

500 અને 2000 રુપિયાની નકલી નોટ મળી આવી હોવાના તો અત્યાર સુધી અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે 100ની નોટ પણ કોઈ આપે તો ચેક કરીને લેજો કારણકે, તે પણ નકલી હોઈ શકે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 100 રુપિયા તેમજ 500 રુપિયાની નકલી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમની પાસેથી 100 રુપિયાની 1300 નકલી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બે જુનેદ અને વિરાટ નામના બે શખ્સો નકલી નોટો લઈને ગીતામંદિર બસ સ્ટેન્ડથી કાંકરિયા તરફ જવા નીકળવાના છે. આ બાતમીના આધારે ચાની કિટલી પર વોચ ગોઠવી પોલીસે બનાસકાંઠાથી આવેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બંને શખ્સોની ઝડતી લેતા ઝુનેદ પાસેથી પોલીસને 500 રુપિયાના દરની કુલ 700 નકલી નોટો, અને 100 રુપિયાના દરની 1100 નકલી નોટો મળી આવી હતી. જ્યારે વિરાટના પેન્ટના ખિસ્સામાંથી પોલીસને 100 રુપિયાની કુલ 200 નકલી નોટો મળી આવી હતી. આરોપીઓએ આ નોટો પોતાના ઘરે જ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપી હતી તેમ જણાવ્યું હતું.

આ બંને શખ્સોએ 2000 રુપિયાની અઢી લાખ રુપિયાની નકલી નોટો પણ છાપી હતી, પરંતુ તેના કલર કોમ્બિનેશન મેચ ન થતાં તેનો તેમણે નાશ કરી દીધો હતો. જોકે, તે સિવાય રુ. 4,80,000ના દરની 100 અને 500 રુપિયાની નકલી નોટોને વટાવવા માટે તેઓ બજારમાં ફરી રહ્યા હતા. આ બંને શખ્સોએ પોતાને કાપડના ધંધામાં ખોટ જતા નકલી નોટો બનાવી હોવાનું પણ જણાવ્યું હતું.

(7:25 pm IST)