ગુજરાત
News of Monday, 21st May 2018

ગીર નેશનલ પાર્કમાં શિંગોડા ડેમને ઊંડો ઉતારવાની કામગીરીથી અેશિયાટીક સિંહો, મગરો તથા વન્ય પ્રાણીઓના રહેઠાણોને મોટુ નુકસાન થશેઃ હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી

અમદાવાદઃ રાજકોટનાં રહેવાસી અને પર્યાવરણનાં રક્ષણ માટે કાર્યરત શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ નંદીશ ઠક્કર મારફતે આ મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટ બુધવારે સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.

આ જાહેર હિતની અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, શિંગોડા ડેમ ગીર નેશનલ પાર્કમાં આવેલો છે અને શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરીથી એશિયાટીક સિંહો, મગરો જેવાં વન્યપ્રાણીઓના રહેઠાણોને મોટું નુકશાન થશે. કેમ કે, ડેમને ઉંડો ઉતારવાની કામગીરી માટે ટ્રેક્ટરો અને જીસીબી મશીનો નેશનલ પાર્કમાં અંદર પ્રવેશ કરી રહ્યાં છે. આ કામગીરીમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની જોગવાઇનો ભંગ થાય છે અને આ કામગીરી કરતા પહેલા કાયદમાં જણાવેલી જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. આથી અરજદારે દાદ માંગી છે કે, સરકારના જે વિભાગ દ્વારા શિંગોડા ડેમને ઉંડો કરવા માટે મંજુરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરવામાં આવે.

જાહેર હિતની અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરી માટે વાઇલ્ડલાઇફ પ્રોટકેશન એક્ટ(1972)ની જોગવાઇઓ મુજબ જે ઓથોરિટીની મંજુરી લેવાની હોય છે તે લેવામાં આવી નથી.

વળી, શિંગોડા ડેમ આ કાયદાની જોગવાઇ મુજબ નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની પરવાગની માત્ર રાજ્યનાં ચિફ વાઇલ્ડલાઇફ વોર્ડન જ પરવાનગી આપી શકે છે. વાઇલ્ડલાઇફ પ્રોટેકશન એકટ (1972)મુજબ, નેશનલ પાર્કમાં આવેલા ડેમને ઉંડો કરવાની પરવાનગી આપવાની સત્તા કલેક્ટર પાસે નથી. શિંગોડા ડેમને ઉંડો ઉતારવાની કામગીરીને કારણે સિંહો, મગરો અને અન્ય વન્ય-પ્રાણીઓનાં રહેઠાણને નુકશાન થઇ રહ્યું છે. કાયદાની જોગવાઇ મુજબ, કોઇ પણ વ્યક્તિ નેશનલ પાર્કમાં આવેલા વન્ય-પ્રાણીઓ, જંગલ પેદાશોને નુકશાન કરી શકે નહીં કે તેને દૂર કરી શકે નહીં. જો આ કામ કરવું હોય તો રાજયના ચિફ વાઇલ્ડલાઇફ વોર્ડનની પૂર્વમંજુરી ફરજિયાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ18 ગુજરાતી દ્વારા છેલ્લા બે અઠવાડિયા દરમિયાન શિંગોડા ડેમના ડિસીલ્ટીંગ મામલે વિશેષ અહેવાલો પ્રગટ કરવામાં આવ્યા હતા અને આ મુદ્દે વાઇલ્ડલાઇફ નિષ્ણાંતો સાથે પણ વાતચીત કરી હતી. આ તમામ નિષ્ણાતોએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું હતુ કે, "સરકાર દ્વારા આ કાર્યમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓને અનુસરવામાં આવી નથી અને ડેમ ઉંડો કરવા માટે કાયદા મુજબ જે પ્રક્રિયા કરવી જોઇએ તે કરવામાં આવી નથી અને આ કામ વન્ય પ્રાણીઓ માટે ઘાતક સાબિત થશે"

અત્રેએ નોંધવું રહ્યું કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે.

(7:24 pm IST)