ગુજરાત
News of Monday, 21st May 2018

RTE હેઠળ કુલ ૧૭૮૭૩ને અમદાવાદમાં અપાયેલો પ્રવેશ

ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ : આરટીઇ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ : બીજીથી વાલીઓને મોબાઈલ પર બાળકને સ્કુલમાં પ્રવેશ અંગે મેસેજ મળશે

અમદાવાદ,તા. ૨૧ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તે અંતર્ગત અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અમદાવાદ શહેર તથા જિલ્લામાં કુલ ૧૭,૮૭૩ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ફોર્મની ચકાસણી દરમિયાન ભૂલ ભરેલાં ૪૪ ફોર્મ રિજેક્ટ કરાયાં છે. બીજીબાજુ, આરટીઇ હેઠળની પ્રવેશ કાર્યવાહીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૮૦,૧૮૮ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. ગુજરાતભરમાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ સમાજના ગરીબ અને નબળા વર્ગાના બાળકોને પ્રવેશ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની હોય છે અને તેમાં આરટીઇ એકટ અંતર્ગત તેમ જ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશોને ધ્યાને લઇ પ્રવેશ ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે આરટીઇ હેઠળ અમદાવાદ શહેરમાં ૧૭ હજારથી વધુ, અમદાવાદ ગ્રામ્યમાં ૧પ હજારથી વધુ અને સમગ્ર રાજ્યમાં ૧ લાખથી વધુ ઓનલાઈન ફોર્મ ભરાયાં હતાં. વાલીઓ જોઈએ તે શાળાની પસંદગી કરી શકે અને તેઓ પોતાના વિસ્તારની શાળાની પસંદગી કરી શકે તેવી તક તેમને આપવામાં આવી છે તેમજ વાલીએ તેની પસંદગીની શાળામાં પ્રવેશ માગ્યા પછી જો તે શાળામાં પ્રવેશ ફૂલ થઇ જશે તો તે બાળકને શાળામાં પ્રવેશનો લાભ નહીં મળી શકે, જે વાલીએ એક કરતાં વધારે પસંદગીની શાળા નહીં દર્શાવી હોય તો તેવા વાલીઓનાં પ્રવેશફોર્મ માન્ય હોવા છતાં તેમણે પ્રવેશથી વંચિત રહેવું પડે તેવી શક્યતા છે. આરટીઇ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને હવે તા.ર જૂનથી વાલીઓને તેમણે કરાવેલા રજિસ્ટર્ડ મોબાઈલ પર બાળકને કઈ શાળામાં પ્રવેશ ફાળવાયો છે તેનો મેસેજ મળી જશે. આ માહિતીના આધારે વાલીઓએ વેબસાઈટ પરથી પ્રવેશ ફાળવ્યા અંગેની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે. આ પ્રિન્ટઆઉટ શાળામાં રજૂ કરીને વાલીઓને અસલ પુરાવા સાથે પ્રવેશ આપવામાં આવશે. હાલ અમદાવાદ શહેરની શાળાઓમાં ૧૭૮૭૪ અરજીમાંથી ૧૦ર૧૯ બાળકોને પ્રવેશ ફાળવાયો છે, જયારે ગ્રામ્યની શાળાઓમાં ૧ર૮પ૮ અરજીઓ સામે ૮૩૬પ બાળકોને પ્રવેશ મળ્યો છે. હવે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ વાંધાઅરજી અને ખાલી બેઠકો અને વાલીઓને ધ્યાનમાં રાખીને બીજો રાઉન્ડ થશે, જેમાં બીજી જૂને પ્રવેશ ફાળવાશે. એ પછી સરકાર કે શિક્ષણ સત્તાવાળાઓને જરૂર જણાશે તો પ્રવેશ માટે ત્રીજો અને આખરી રાઉન્ડ પણ યોજી શકે છે.

(8:01 pm IST)