ગુજરાત
News of Monday, 21st May 2018

મહુધા તાલુકાના શંકરપુરામાં એકજ સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા

મહુધા:તાલુકાના શંકરપુરા મૂલેશરાથી ખલાડી જવાના રોડ ઉપર શંકરપુરામાં તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ ત્રણ મકાનોના તાળાં તોડી રૂપિયા અડધા લાખની મતા ચોરી ગયાના બનાવને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના મૂલેશરાથી ખલાડી જવાના રોડ ઉપર શંકરપુરા તાબે સોડપુર આવેલ છે. આ શંકરપુરામાં ગત તા. ૧૯મીની રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ તસ્કરોએ અરવિંદભાઈ નારણભાઈ ભોઈના બંધ મકાનના દરવાજાની સ્ટોપર તોડી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો તિજોરીમાંથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો સોનાનો દોરો ૧૭ ગ્રામનો, ચાંદીનો આંકડો ૨૫૦ ગ્રામ રૂ. ૨૫૦૦, એક ચાંદીનો આંકડો ૧૫૦ ગ્રામ વજન કિંમત રૂ. ૧૫૦૦, ચાંદીની લકી રૂ. ૫૦૦, પગના ચાંદીની માછલીઓ નંગ-૨ રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૧૫૦૦૦ની મતા ચોરી ગયા હતા.
તસ્કરો ત્યાંથી નજીકમાં રહેતા અલ્પેશભાઈ પુનમભાઈ ભોઈના બંધ મકાનના બારીનો કાચ તોડી અંદરની સ્ટોપર ખોલી મકાનમાં પ્રવેશી મકાનના બીજા ખંડમાં મૂકેલ તિજોરીમાંથી સવા તોલા સોનાનો દોરો રૂ. ૧૦,૦૦૦, સોનાની બુટ્ટી અડધા તોલાની રૂ. ૫૦૦૦, ચાંદીની ઝાંઝર નં-૨૩૦૦ ગ્રામના રૂ. ૩૦૦૦ મળી કુલ રૂ. ૧૮૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ ઉપરાંત ગલાભાઈ ભઈજીભાઈ ઝાલાના બંધ મકાનનો મુખ્ય દરવાજાનું તાળું તોડી સ્ટોપર ખોલી મકાનમાં પ્રવેશી બીજા ખંડમાં મૂકેલ લોખંડની તિજોરીમાંથી ચાંદીના છડા રૂ. ૧૦૦૦, ચાંદીની નાની બંગડીઓ રૂ. ૧૦૦૦, ચાંદીની રાખડીઓ રૂ. ૧૦૦૦, સોનાનું લોકેટ એક તોલાનું મળી કુલ રૂ. ૧૨૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ તસ્કરોએ એક જ રાતમાં તરખાટ મચાવી ત્રણ મકાનોમાંથી કુલ રૂ. ૪૮,૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે અરવિંદભાઈ નારણભાઈ ભોઈની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:33 pm IST)