ગુજરાત
News of Monday, 21st May 2018

વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં ખોટા બીલો બનાવી 35.50 લાખની ઉચાપત કરતા અરેરાટી

વડોદરા:મકરપુરા જીઆઈડીસીમાં આવેલી પોલીક્રાફ્ટ પફ મશીન કંપનીમાં ફરજ બજાવતા પરચેઝ મેનેજર અને એકાઉન્ટન્ટને કંપનીના સપ્લાયર સાથે મળીને બોગસ પરચેઝ બીલો બનાવીને કંપની સાથે છ વર્ષમાં ૩૫.૫૦ લાખથી વધુની ઉચાપત કરતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
આજવારોડ પર આવેલા આદેશ્વરનગરમાં રહેતાં રૂષિકુમાર ધ્યાની મકરપુરા જીઆઈડીસીની પોલીક્રાફ્ટ પફ મશીન નામની કંપનીમાં મેનેજેર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીના પી.યુ.મશીન હાઈડ્રોલીક પ્રેસ અને પી.યુ. ઈકવીપમેન્ટસનું ઉત્પાદન થાય છે. તેમની કંપનીમાં ડિસેમ્બર-૧૨થી કૃણાલ મનુભા પરમાર (વ્રજભુમિ સોસાયટી,આજવારોડ) પરચેઝ મેનેજર તરીકે તેમજ એપ્રિલ-૦૮થી રાહુલ સુરેશ જાદવ (વસંતવિહાર સોસાયટી, વડસરરોડ) એકાઉન્ટ આસી.તરીકે ફરજ બજાવતા હતા. તેમની કંપની દ્વારા બ્રાસ રોડ અને એસએસ રો મટીરીયલ્સ ચૈાધરી ટ્રેડીંગ કંપનીના માલિક ઈશ્વર અખારામ ચૈાધરી (વૈકુંઠધામ સોસાયટી, મકરપુરા) પાસેથી મંગાવવામાં આવતો હતો.
કંપની માટે જરૂર મુજબ કૃણાણ માલની ખરીદી કરી તેના બિલ રાહુલ મારફત પાસ કરાવતો હતો. ગત ૨૯મી સપ્ટેમ્બર-૧૭માં ચૈાધરી ટ્રેડીંગ કપની તરફથી કંપનીમાં ઉઘરાણી માટે ફોન આવતા રાહુલ જાદવે માલ ખરીદીની ઓર્ડર અને તેના બિલો જોડી પેમેન્ટની તજવીજ કરી હતી. આ બિલોની કંપની અધિકારી દ્વારા ચકાસણી કરાતા તેમાં સ્ટોરકિપર અને પ્રોડક્શન ઓફિસની સહી બનાવટી હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ અંગેની ચૈાધરી ટ્રેડીંગના માલિક ઈશ્વરની પુછપરછ કરાતાં તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યા નહોંતા. બીજીતરફ બોગસ બિલોની કંપની અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાયાની જાણ થતાં કૃણાલ એટીએમમાંથી નાણાં ઉપાડવાનું કહીને કંપનીમાં રવાના થયો હતો.

(5:32 pm IST)