ગુજરાત
News of Monday, 21st May 2018

સમુદ્ર કિનારે માછલીઓનો 'તોટો' : હજારો બોટો પાછી ફરી

માછીમારી સિઝન એક મહિનો વહેલી સમેટાઇ જતા હજારો માછીમારો બેકાર : ગંભીર સમસ્યા સામે સાગરખેડૂ લાચાર : ડીઝલ, કેરોસીન, રાશન, પગાર વગેરેના વધતા જતા ખર્ચાઓ

રાજકોટ તા. ૨૧ : એક ગંભીર ચોંકાવનારી હકિકત અનુસાર ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટી પડી છે. આ વખતે માછીમારીની સિઝન એક મહિનો વહેલી પૂર્ણ થઈ જતા હજ્જારો માછીમારો બેકાર બની ગયા છે. ગુજરાતના દરિયામાં માછીમારી કરવા ગયેલી ૧૦ હજારથી વધુ બોટ એક-દોઢ મહિનો વહેલી કિનારે પરત ફરી ગઈ છે. હાર્યો જુગારી બમણુ રમે... કહેવત અનુસાર પ્રથમ ટ્રીપમાં નૂકશાની કર્યા બાદ પણ કંઈક મળવાની આશાએ વારંવાર દરિયામાં જઈને અનેક માછીમારો કૂલ રૂ.ત્રણથી પંદર લાખ સુધીની નૂકશાનીમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો આવેલો છે.

આ કિનારેથી હજ્જારો માછીમારો દરિયામાં જઈને માછીમારી કરીને રોજગારી મેળવે છે. છેલ્લા અડધા દશકાથી આડેધડ થઈ રહેલી માછીમારી અને ગ્લોબોલ વોર્મિંગ જેવી અસરના કારણે દરિયામાં માછલી ખૂટવા માંડી છે. મળતી વિગતો અનુસાર ૧પ ઓગષ્ટથી માછીમારીની સીઝન શરૂ થાય છે. આ સિઝન ૧૦ જૂન સુધી ચાલે છે. તેના બદલે આજની સ્થિતિએ મોટાભાગની માછીમારી બોટ દરિયામાંથી પરત આવી ગઈ છે. માછીમાર આગેવાન જમનાદાસ વંદુર કહે છે કે, રપ ટકા બોટ તો સંક્રાંત સમયે જ પરત આવી ગઈ હતી. જયારે ૩૦ ટકા બોટ હોળીના સમયે પરત ફરી હતી. બાકીની લગભગ બોટ માર્ચ માસથી દરિયામાંથી બહાર નિકળી ગઈ છે.

ગુજરાતના દરિયામાં માછીમારી કરતી ૧૦ હજારથી વધુ બોટમાંથી હાલ માંડ બે-ચાર ટકા બોટ માછીમારી કરતી હશે ! માછીમારીની સિઝન નિયત સમય કરતા દોઢ-બે માસ વહેલી પુરી થઈ ગઈ છે. માછલીઓનું ઉત્પાદન દર વખતની સરખામણીએ ૩૦ ટકા જેટલુ માંડ થયુ છે. તેની સામે ભાવમાં પણ ફટકો લાગ્યો છે. માછલીના પુરતા ભાવ બજારમાં મળતા નથી. દરિયામાં માછીમારી જતી એક બોટની ટ્રીપ સામાન્ય રીતે ૧પથી ર૦ દિવસની હોય છે. આ ટ્રીપના ખર્ચ અંગે ભાજપના માછીમાર સેલના પ્રદેશ કન્વીનર વેલજીભાઈ મસાણીના જણાવ્યા અનુસાર એક ટ્રીપનો ખર્ચ સાડા ત્રણેક લાખ રૂપિયા ઓછામાં ઓછો થાય છે.

જેમાં ડીઝલ કે કેરોસીન, રાશન, કર્મચારીઓનો પગાર, બરફ વગેરેના ખર્ચનો સમાવેશ થાય છે. તેની સામે આ વખતે દરેક ટ્રીપમાં માછીમારોને સરેરાશ માત્ર રૂ.૬૦-૭૦ હજારની આવક માંડ થઈ છે. દરિયામાં માછલીઓ ન મળતી હોવાથી માછીમારોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. બોટ માલિકો દેવાના ડૂંગર તળે દબાઈ ગયા છે.

લાઇન ફિશીંગનું ચલણ વધ્યું : અને માછલીઓ ઘટવા લાગી

થોડા સમયથી માછીમારોમાં લાઈન ફીશીંગનું ચલણ વધ્યુ છે. આવી રીતે માછીમારો પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહ્યા છે. લાઈન ફીશીંગમાં એકી સાથે ૧પ-ર૦ બોટ દરિયામાં જાળ નાખીને આગળ વધે છે. આવી રીતે જાળ દરિયામાં ઉંડે સુધી ઘસાવાના કારણે દરિયાના તળિયે રહેલા માછલીના રહેઠાંણ ભાંગી પડે છે. નાની વનસ્પતિ રૂપી ખોરાકની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. માટે માછલીઓની વૃદ્ઘિમાં જ ઘટાડો થાય છે. સતત પાંચ-સાત વર્ષથી ચાલતી આ પ્રક્રિયાની અસર હવે દેખાવા માંડી છે.

બોટો ખૂબ વધી : પ્રદૂષણ હદ બહારનું : કોઇ નિયંત્રણ નથી : ખોટી પધ્ધતિ ગ્લોબલ વોર્મિંગ અને ઉદ્યોગોની સંખ્યામાં કૂદકે ભૂસકે વધારો

-   દરિયાકાંઠાના વિસ્તારમાં વધી રહેલુ પ્રદૂષણ

-   માછીમારી માટે બોટોની સંખ્યા ખુબ વધી ગઈ

-   નિયંત્રણ વગર વધુ પડતી માછીમારી

-   માછીમારી માટે ટ્રોલનેટ જેવી ખોટી પદ્ઘતિનો ઉપયોગ

-   દરિયામાં સતત ઠાલવાઈ રહેલો પ્લાસ્ટિકનો કચરો

-   ગ્લોબોલ વોર્મિંગના કારણે બદલાતા જતા પરિબળો

-   સમુદ્રમાં મીઠા પાણીની જાવકમાં મોટો ઘટાડો

-   ઉદ્યોગોની સતત વધતી જતી સંખ્યા

(4:07 pm IST)