ગુજરાત
News of Monday, 21st May 2018

શિક્ષણમાં પોલંપોલ : ધો.૩ના ૪૧ ટકા છાત્રો ૯૯૯ સુધીના આંકડા લખી-વાંચી શકતા નથી

કેન્દ્રના સર્વેમાં ચોંકાવનારૂ તારણ : રાજય સરકારને ઝાટકતા ડો. મનીષ દોશી

અમદાવાદ, તા. ર૧ : ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના બહાર પાડવામાં આવેલ નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનું શિક્ષણ કેટલું કથળ્યું છે. તેની પોલ ખોલી નાંખી છે. ધોરણ-૩ના ૪૧ વિદ્યાર્થીઓ ૯૯૯ સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ-પના ૪૧ ટકા વિદ્યાર્થીઓ ૧૦૦૦ હજારથી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ ૩,પ, અને ૮ના ૪૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાને લગતા જવાબ આપી શકતા નથી. ધોરણ-૩ના પ૦ ટકા, ધોરણ પ માં પ૩ ટકા શિક્ષકો જે ઉચ્ચ અભ્યાસક્રમ કર્યો છે તેના કરતા અન્ય વિષય ભણાવે છે. ગુજરાતમાં એકતરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું તોડી નાંખવામાં આવી રહ્યું છે. સરકારી ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવામાં આવે છે અને બીજીબાજુ ઉંચી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓને આડેધડ મંજૂરી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં શિક્ષણની અદ્યોગતિ માટે ભાજપ સરકારનો દીશા વિહિન-ભ્રષ્ટાચાર શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે કરોડો રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવે છે તેમ છતાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ગુજરાતમાં ધોરણ ૩, પ અને ૮ના ૩૦ ટકાથી વધુ વિદ્યાર્થી ભાષા, એન્વાર્યમેન્ટ સાઇન્સ ને ગણિત જેવા વિષયમાં નિષ્ફળ રહે છે.

ધોરણ-પ માં એન્વાયરમેન્ટ સાઇન્સ, ભાષા તથા ગણિતના વિષયોમાં ૪૦ ટકાથી વધારે વિદ્યાર્થી નિષ્ફળ રહે છે. ધોરણ પ ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ૪૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓ એન્વાયરમેન્ટ સાઇન્સ, ભાષા તથા ગણિતના વિષયોમાં નિષ્ફળ રહે છે. ધોરણ ૮માં વિજ્ઞાન વિષયમાં ૪૮ ટકા વિદ્યાર્થીઓ, ભાષાના વિષયમાં ૪૦ ટકા વિદ્યાર્થીઓ અને ગણિતમાં પ૦ ટકા, વિદ્યાર્થીઓ સફળ થઇ શકતા નથી. એટલે કે તેમને પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શકતા તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

ધોરણ ૩ના ૩૦ ટકા કરા વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ પ અને ૮ના ૪૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ આ ૩ વિષયમાં નિષ્ફળ રહે છે. એટલે કે આ ૩ વિષય સબંધીત પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી. નેશનલ એચીવમેન્ટ સર્વે મુજબ ગુજરાત સરકારના શિક્ષણ ખાતાની ખામીઓ પર નજર કરીએ તો ધોરણ ૩ અને ધોરણ પ ના ૧૮ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલ જવામાં મુશ્કેલી અનુભવે છે. ધોરણ ૩માં પ૦ ટકા ધોરણ પ માં પ૩ ટકા શિક્ષકો એવા છે કે જેમને જે વિષયમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે, તે ભણાવી શકતા નથી એટલે તેમની ગુણવતા પર પણ સવાલ ઉભા થાય. ૧૮ ટકા સ્કૂલો એવી છે જેમાં ખુદ શિક્ષકો બિલ્ડીંગમાં રીપેરીંગની જરૂરીયાત હોવાનું માન્યું. આ ઉપરાંત વર્ગ પ્રમાણે વાત કરીએ તો ધોરણ ૩ના ર૮ ટકા કપ્રીહેનશન આંકડા વાંચી શકતા નથી. ધોરણ ૩ના જ વિદ્યાર્થીઓ ૯૯૯ સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. એવી જ રીતે ધોરણ પ ના ૪૧ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ૧૦૦૦ હજાર સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી એટલે કે સરકાર ગુણોત્સવ અને શિક્ષણ નીતિ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પણ વાસ્તવિકતા કંઇક અલગ છે. (૮.૪)

(10:49 am IST)