ગુજરાત
News of Monday, 21st May 2018

ઉંઝા થી કાગવડઃ ૨૬ જુનથી શહીદ યાત્રા

''પાસ'' ના અલગ પડેલા નેતાઓનું આયોજનઃ મા ઉમિયા અને માં ખોડલ તથા શહીદ પાટીદાર યુવાનોની તસ્વીર સાથેઃ તાલુકામાં ફરશેઃ ૪ હજાર કિ.મી. નો પ્રવાસઃ હાર્દિક પટેલને આમંત્રણ નહિ અપાય

અમદાવાદ તા.૨૧: પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી અલગ પડેલા પાસના સભ્યો એ આજે ઉંઝાથી કાગવડની શહીદ યાત્રા શરૂ કરવાનું જાહેર કર્યુ છે.

૨૬ જુનથી ઉંઝા ખાતેથી આ યાત્રા શરૂ થશે, જે ગુજરાતના ૯૭ તાલુકાઓને આવરી લઇ કાગવડ ખાતે પુરી થશે.

આ શહીદ યાત્રામાં અનામાત આંદોલન સમયે શહીદ થયેલા પાટીદાર યુવાનોની તસ્વીરો અને મા  ઉમા તથા મા ખોડલની તસ્વીરો પણ રાખવામાં આવશે.

આ શહીદ યાત્રામાંથી પાસના સુપ્રિમો હાર્દિક પટેલને અલગ રાખવામાં આવેલ છે.

પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને રાજય સરકારે નોકરી તથા અન્ય સહાય નહીં ચુકવી હોવાના આક્ષેપ સાથે આ માગણી ચાલુ રાખીને પાસ દ્વારા શહીદ યાત્રાનું આયોજન કરાયું છે.

આ યાત્રામાં હાર્દિક પટેલને આમંત્રણ અપાયું નથી.

૨૪ મી જુનથી ઉંઝા ખાતેથી યાત્રાનું પ્રસ્થાન કરીને સોૈરાષ્ટ્રના કાગવડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં શહીદ યુવાનોના ટેબ્લો, ઉપરાંત ઉમિયા અને ખોડલ માતાજીના ટેબ્લો સાથે રાજયભરમાં ૪૦૦૦ કિલોમીટર જેટલી યાત્રા કરાશે.

પાસના સંગઠન મંત્રી દિલીપ સબવાએ સરકાર વિરુધ્ધ આક્ષેપ કરતા કહયું કે રાજય સરકાર દ્વારા પાટીદાર આંદોલન બાદ શહીદના પરિવારજનોને નોકરી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ સમય વિત્યો છતાં પણ સરકારે કોઇ પ્રકારનો નિર્ણય કર્યો નથી. જયારે પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસો પાછા ખેંચવાનો નિર્ણય ફકત કાગળ પર જ છે. જેથી પાટીદાર આંદોલનમાં શહીદોને ન્યાય અને પાટીદાર સમાજની માંગ એવા અનામત બાબતે સરકાર ફરીથી વિચારણા કરે તે માટે શહીદી યાત્રાનું આયોજન કરાયું છે.

પાટીદારોને એક જ માંગ છેકે, ભાજપ સરકાર બંધારણિય રીતે પાટીદારોને અનામત આપે. પાટીદારો પર થયેલાા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે. શહીદોના પરિવારજનોને ન્યાય મળે.  આ મુખ્ય માંગો સાથે શહીદયાત્રા પાટીદાર સમાજના સામાજિક- ધાર્મિક આગેવાનો ય જોડાશે. મહત્વની વાત એછેકે, સમગ્ર કાર્યક્રમમાં એકેય રાજકારણીને આમંત્રણ આપવામાં આવશે નહી.

શહીદયાત્રા દરમિયાન, સરદારગાથા અને અનામત વિશેની ડોકયુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. પાટીદાર આયોજકોનો દાવો છેકે, શહીદયાત્રાને ૬૦ લાખ લોકો નિહાળશે, પરિણામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડના ઓબર્ઝવરને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે.

આમ, ગુજરાતમાં ફરી એકવાર અનામત આંદોલન પાર્ટ-૩ શરૂ થવાની તૈયારીઓ થઇ રહીછે. અનામતની માંગ બુલંદ બનતા ભાજપ સરકાર માટે પાટીદારોને મનાવવા ફરી રાજકીય મથામણો કરવા મજબુર થવું પડશે તેમ મનાઇ રહયું  છે.(૧.૧૦)

(11:10 am IST)