ગુજરાત
News of Monday, 21st May 2018

ઓલપાડના ડભારીના દરિયામાં ન્હાવા પડેલા મધ્યપ્રદેશના સાત યુવાનો ડૂબ્યા : ચારને બચાવાયા : ત્રણની શોધખોળ

નરથાણની સીમમાં મિલેનિયમ કેન્ટીનમાં નોકરી કરતા સાત યુવાનો નહાવા પડેલા

સુરત નજીક ઓલપાડના ડભારીના દરિયામાં નહાવા પડેલા મધ્યપ્રદેશના સાત યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા જોકે તેમાંથી ચાર યુવાનોને બચાવી લેવાયા છે. જ્યારે ત્રણનો કોઈ પત્તો મળ્યો નથી. આ ત્રણ યુવાનોને દરિયો ભરખી ગયો હોવાનું માની હાલ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે .

  આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના નરથાણ ગામની સીમમાં આવેલી મિલેનિયમ સ્કૂલની કેન્ટીનમાં નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના ભીંડી તાલુકાના સાત યુવાનો રવિવારની રજાની મજા માણવા નરથાણ ગામે રહેતા દેવાંગ ભરત પટેલની મારુતિવાન (નં-જીજે-સીક્યુ-૯૧૬૯) ભાડેથી કરી બપોરના બે કલાકના સુમારે ઓલપાડ તાલુકાના ડભારીના દરિયા કિનારે ગયા હતા. ત્યાં તમામ મિત્રો દરિયાના ઊંડા પાણીમાં નાહવા પડયા તે સમયે ભરતીના પાણીમાં વધારો થતા નાહવા પડેલા મિત્રો અજય, રાજેશ અને પરિમલને તરતા ન આવડતું હોવાથી તેઓ પાણીમાં તણાયા હતા. જેથી આ ત્રણે મિત્રોને અન્ય ચાર મિત્રો બચાવવા જતા તે પણ પાણીના પ્રવાહમાં ખેંચાયા હતા.

   . આ મામલાની જાણ દરિયા કિનારેના અન્ય સહેલાણીઓએ સુરત ફાયરબ્રિગ્રેડને કરતા ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઈટરોના જવાનોએ પાણીમાં તણાયેલા સાત યુવાનો પૈકી ચાર યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ યુવાનો દરિયાના ઊંડા પાણીમાં ગરક થઇ જવાના પગલે આ લખાઇ રહ્યું છે, ત્યાં સુધી ત્રણે યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. જો કે ઘટનાની જાણ થતા ઓલપાડ પોલીસ મથકના પીઆઇ ડી.એન.ખાંટ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ફાયરબ્રિગ્રેડના જવાનોએ બચાવેલા ચાર યુવાનોમાં મધ્યપ્રદેશના ભીંડી તાલુકાના મુનપુરાના વતની મહિપાલસિંગ જયસિંગ લોદી (ઉંમર વર્ષ-૧૯), રજપુરા ગામના નિલકંઠસિંગ વિશ્વનાથ લોદી (ઉં.વ.-૧૮), રજપુરા ગામના મુકેશ ઉર્ફે અભિલાખસિંગ લોદી (ઉં.વ-૨૦), મુનપુરા ગામના પ્રદીપસિંગ જયસિંગ લોદી (ઉં.વ-૨૫)નો સમાવેશ થાય છે .

   દરિયાના પાણીમાં મધ્યપ્રદેશના ભીંડ ગામના આમલપુરા ગામના અજય સજ્જનસિંહ લોદી (ઉંમર વર્ષ-૧૯), રજપુરા ગામના પરિમલસિંગ ઉર્ફે રામા અવતાર લોદી (ઉંમર વર્ષ-૨૧), રામપુરા ગામના રાજેશસિંગ અજનસિંગ લોદી (ઉંમર વર્ષ-૨૧) લાપતા થયા છે અને તેની શોધખોળ ચાલુ છે .

(6:03 am IST)