ગુજરાત
News of Wednesday, 21st April 2021

અમદાવાદ સોલા સિવિલ હોસ્પટલમાં ઓક્સિજનની છ ટનની ટેન્ક ઈન્સ્ટોલ કરવાની કામગીરી પુરજોશમાં

એપ્રિલમાં 1 કરોડ લીટરની જરૂરિયાત ઉભી થતા પુરવઠો પુરો પાડવાની ક્ષમતા બમણી કરાઈ

અમદાવાદ : કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતાં જાય છે. તેમાંય ખાસ કરીને કોરોનાનો ભોગ બનેલા દર્દીઓમાં મહદ્દઅંશે ઓક્સિજનને લગતી ફરિયાદોમાં પણ અસાધારણ વૃદ્ધિ થઇ છે. જેથી ઓક્સિજનની માંગ વધતી જાય છે. પરિણામે ઓક્સિજનની અછત સર્જાઇ છે. પરંતુ હોસ્પિટલમાં ટેન્કના અભાવે પરિસ્થિતિ વણસે નહીં તે માટે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની સંખ્યા અથવા તો તેની ક્ષમતા-વૃદ્ધિ વધારવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાણવાયુ(ઓક્સિજન)નો પૂરતો પુરવઠો વિક્ષેપ રહિત મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.

સોલા સિવિલમાં બે મહિના પહેલા જ્યારે કોવીડની સ્થિતિ ગંભીર ન હતી ત્યારે દૈનિક ધોરણે અંદાજે 50 લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે 1 કરોડ લીટરે પહોંચ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આ આયોજનના ભાગરુપે છ ટનની ઓક્સિજન ટેન્ક (ટાંકી) ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે.

અગાઉ જ્યારે કોવીડની ગંભીર સ્થિતિ ન હતી ત્યારે પાંચ ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી, પણ આજે ઓક્સિજનનો પુરવઠો વધુ જોઈતો હોવાથી ઓક્સિજન ટેન્ક દિવસમાં ત્રણથી ચાર વાર ભરવાની ફરજ પડે છે, ત્યારે હવે આ નવી વ્યવસ્થા ઉભી કરવાથી સમયનો બચાવ થશે અને દર્દીને ઓક્સિજનનો જથ્થો વિક્ષેપરહિત મળી શકશે. તેમ જ પૂરતા પ્રેશરથી મળી રહેશે.

કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાના વડપણ હેઠળ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ નોન-કોવીડ દર્દીઓની પણ ચિંતા કરી તેમને પણ ઓક્સિજનનો પુરતો પુરવઠો મળી રહે તે માટે તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ જિલ્લા વહીવટીતંત્રને દર્દીઓની સુવિધાઓ, ઓક્સિજન સપ્લાય અને દર્દીઓના ભોજન જેવા શ્રેણીબદ્ધ મુદ્દાઓ પર અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

(11:28 pm IST)