ગુજરાત
News of Wednesday, 21st April 2021

બોરસદ બાયપાસ રોડ નજીક સવારના સુમારે ટ્રેક્ટરના ડ્રાઈવર પર રોલિંગ મશીન ફરી વળતા ઘટનાસ્થળેજ મોત

બગોદરા: સ્ટેટ હાઈવે પર આવેલા બોરસદ બાયપાસ રોડ ઉપર આજે સવારના સુમારે પાણી છાંટતા ટ્રેક્ટર ટેન્કરના ડ્રાયવર ઉપર રીવર્સ થતું રોલીંગ મશીન ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના જુની પેથાપુર ખાતે રહેતો મુકેશભાઈ સુરસીંગ ડામોર (ઉ. વ. ૧૮)સીક્સલેન બની રહેલા વાસદ-બગોદરા સ્ટેટ હાઉવે પર પાણી છાંટવાની ટ્રેક્ટર-ટેન્કર ઉપર ડ્રાઈવીંગ કરીને પાણી છાંટવાનું કામકાજ કરી રહ્યો છે. આજે સવારના સાડા દશેક વાગ્યાના સુમારે તે પોતાનું ટ્રેક્ટર ટેન્કર લઈને બોરસદ તોરણા માતા સીમમાં કોલાર તલાવડી પાસે ચાલી રહેલા કામકાજ દરમ્યાન પાણી છાંટવા માટે ટેન્કર લઈને ગયો હતો.

દરમ્યાન પીટીઆર રોલીંગ મશીનની થોડે દૂર પોતાનું વાહન ઉભુ રાખીને નજીકમાં આવેલા ગલ્લે પડીકી લેવા માટે ગયો હતો. પડીકી લઈને પરત ફરતો હતો ત્યારે રોલર મશીનના ચાલક જાકીરહુસેને એકદમ જ પોતાનું રોલર મશીન રીવર્સમાં લેતાં મુકેશભાઈને ટક્કર વાગતા નીચે પડ્યો હતો. એ સાથે જ રોલીંગ મશીનનુ તોતીંગ વ્હીલ કમરના ભાગે ફરી વળતાં સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે સુપરવાઈઝર રાજેશભાઈ કારપેન્ટરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:08 pm IST)