ગુજરાત
News of Wednesday, 21st April 2021

પાટણમાં રેમડેસીવીર ઈન્જેક્શનના દુરુપયોગ મુદ્દે ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

ઈન્જેક્શન વિવાદને લઈ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા

પાટણ શહેરના બસ સ્ટેશન રોડ ઉપર આવેલા દેવભૂમિ કોમ્પ્લેક્સમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે રેમડેસીવીર ઈન્જેકશનના દુરુપયોગ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ ફરિયાદ સામે ડોક્ટરે ઈન્જેક્શનનો કોઈ દુરુપયોગ ન કર્યા હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઈન્જેકશન આપ્યા હોવાનું જણાવ્યું હતું. ઈન્જેક્શન વિવાદને લઈ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે

  પાટણમાં હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારીએ ઓનલાઈન પોર્ટલ દ્વારા દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેક્શનની માગ કરી હતી, જેની ફાળવણી પણ કરવામાં આવી હતી. ત્યારે  અધિકારીઓએ હોસ્પિટલમાં ઓચિંતી તપાસ કરતાં ફાળવેલા ઈન્જેક્શન અને દર્દીઓની સંખ્યામાં ઘટ જણાતા આ અંગેનો રિપોર્ટ તપાસ અધિકારીએ જિલ્લા કલેક્ટરને કર્યો હતો.

 આ અંગે કલેક્ટરે હોસ્પિટલની તપાસ કરનારા અધિકારીને હોસ્પિટલના તબીબ સામે છેતરપિંડીનો ગુનો નોંધાવા હુકમ કરાતા પાટણ બી ડિવિઝન પોલીસમથકે તપાસ અધિકારીએ તબીબ સામે ગુનો નોંધાવતા ખાનગી હોસ્પિટલોના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારીએ જણાવ્યું હતું કે, સરકારે જે ઈન્જેક્શન મને આપ્યા છે તે મેં જેતે દર્દીને જ આપ્યા છે. અધિકારીઓની તપાસ દરમિયાન કેટલાક દર્દીઓ ડિસ્ચાર્જ થયેલા હતા, જેની ચકાસણી વગર જ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બાબતે તેઓએ પાટણ ફિઝિશિયન એસોસિયેશનના પણ જાણ કરી છે.

(1:04 pm IST)