ગુજરાત
News of Wednesday, 21st April 2021

કિલોના ભાવે મળતા લીંબુ હવે આફુસની જેમ નંગદીઠ વેચાય છે!

તડકામાં લીંબુના ભાવમાં તડાકો બોલી ગયો : લીંબુ શરબતમાં કડવાશ

અમદાવાદ,તા.૨૧ : દાળ તથા શાકમાં લીંબુનો ઉપયોગ કરતી ગૃહિણીઓના બજેટને લીંબુના ભાવ વધારાએ ખોરવી નાખ્યું છે. જે લીંબુ કિલોના ભાવે મળતાં હતાં એ જ લીંબુ અત્યારે બજારમાં નંગદીઠ મળી રહ્યાં છે. હજુ ત્રણ સપ્તાહ પહેલા જ લીંબુ રૂ. ૬૦ થી ૮૦ પ્રતિકિલો મળતાં હતાં એ જ લીંબુ અત્યારે રૂ. ૩૦૦ના પ્રતિકિલો વેચાતાં લીંબુના ભાવમાં ૩૦૦ ટકાનો વધારો નોંધાયો છે. અત્યારે બજારમાં નંગદીઠ એક લીંબુ રૂ. ૧૦ના ભાવે વેચાઇ રહ્યું છે.

અત્યારે સોશિયલ મિડીયામાં ફરતા થયેલા મેસેજના કારણે રાતોરાત લીંબુની માગ વધી ગઇ છે. કોઇપણ રોગ માટે કોઇપણ પ્રયોગ ડોકટરના માર્ગદર્શન હેઠળ થવો જોઇએ તેના બદલે કોઇ ખરાઇ કે ડોકટરની સલાહ વગર લીંબુના રસનો પ્રયોગ કરનારા કેટલાક તેની આડઅસરનો ભોગ બની રહ્યા છે.

કોરોનાનો ભોગ બની રહેલા દર્દીઓ સાજા થવા માટે વલખા મારતા હોવાથી સોશિયલ મીડીયામાં ફરતા રહેતા મેસેજને સાચા માનીને અખતરા પર ઊતરી આવે છે.

કોરોનાના સમયમાં વીટામીન-સી ખૂબજ જરૂરી છે. ત્યારે લીંબુની માગ ખૂબ જ વધી છે. કોરોનામાં વિટામીન-સી ની  જરૂરીયાત સૌથી વધુ હોય છે. વેપારીઓના મતે લીંબુની ડિમાન્ડ વધવા પાછળ ત્રણ મુખ્ય કારણ છે કોરોના કાળમાં વિટામીન-સી માટે સૌથી મહત્વનો સ્ત્રોત છે અને લોકો લીંબુ પાણી પીતા હોય છે.

ગરમીથી રાહત મેળવવા માટે પણ લોકો ઘરે અને બહાર લીંબુ પાણી પીએ છે અને રમજાન મહિનામાં પણ લીંબુનો વપરાશ વધારે થતો હોય છે. આ ત્રણ કારણસર લીંબુની અછત છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

એક તરફ શહેરમાં આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવતા હોવાથી તાપમાનનો પારો ઊંચો ચઢી ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જ્યારે બીજી તરફ લીંબુના ભાવ વધીને ૩૦૦ રૂપિયે પ્રતિકિલોને આંબી જતા તડકામાં લીંબુના ભાવમાં તડાકો બોલી ગયો છે.

ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં લોકો ઠંડાપીણાનો વપરાશ વધુ કરતા હોય છે, જેમાં લૂ સામે રક્ષણ અપાતું લીંબુ શરબત લોકોની પહેલી પસંદ છે, પરંતુ ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચી જતાં લીંબુ શરબતમાં કડવાશ જોવા મળી રહી છે. દાળ શાકમાં લીંબુનો ઉપયોગ કરતી ગૃહિણીઓ બજેટને ભાવ વધારાએ ખોરવી નાખ્યુ છે. ગુજરાતમાં લીંબુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ અને વિજાપુરથી આવતાં હોય છે, પરંતુ કોરોનાકાળમાં જે રીતે વીટામીન-સી માટે લીંબુની માગ વધી છે, જેના કાર ણે આ વખતે એક પણ લીંબુ શહેરમા આવ્યાં નથી, જેથી બજારમાં લીંબુની અસર જો મળી રહી છે.

(12:00 pm IST)