ગુજરાત
News of Wednesday, 21st April 2021

ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડરે રોગચાળો : 10થી 12 ગામમાં 900 લોકોને ટાઈફોઈડ : તંબુમાં લઈ રહ્યા છે સારવાર

ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડે ટેન્શન વધાર્યું : એક ડોક્ટરે શરૂ કરી તંબુની પહેલ

અમદાવાદ : દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર વ્યાપક બની છે કે હવે હોસ્પિટલોમાં પણ જગ્યા ખૂટવા માંડી છે.સરાકર નવી હોસ્પિટલો બનાવે એ પહેલા અનેક દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા છે. ત્યારે ગુજરાત - મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી સામે આવી રહી છે.ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે દસ્તક દીધી છે. જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે.

ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડે ટેન્શન વધાર્યું છે. અહીં સતત ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છએ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે દર્દીઓ આવ્યા છે તેમની સ્થિતિ ગંભીર છે. જેમની પાસે વાહન નથી તેઓને ખાટલા સાથે લાવવામાં આવી રહ્યા છે. આ આરોગ્ય કેન્દ્ર સવારે 11થી રાતના 11 વાગ્યા સુધી કામ કરે છે. જો જરૂરી હોય તો ઈમરજન્સીમાં કેટલાક કર્મચારીઓ રાતના સમયે રોકાઈ જાય છે.

મળતી માહિતી અનુસાર શહેરમાં ડોક્ટરોએ તેમના દરવાજા બંધ કર્યા છે ત્યારે એક ડોક્ટરે તંબુમાં હોસ્પિટલ શરૂ કરી છે. અહીં જમીન પર દર્દીને સુવડાવવામાં આવે છે પણ સાથે જ તેમને સારવાર મળી રહી છે. કોરોનાની સ્થિતિમાં હોસ્પિટલમાં પગ મૂકવાની જગ્યા નથી અને સાથે ડોક્ટર્સની પણ અછત વર્તાઈ રહી છે ત્યારે અહીં આ તંબુની હોસ્પિટલ વરદાન બનીને લોકોની મદદ કરી રહી છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી અહીં 400 દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. અહીં એક ડોકટરની સાથે એક આસિસટન્ટ ફરજ બજાવે છે.

(10:20 am IST)