ગુજરાત
News of Wednesday, 21st April 2021

અમદાવાદ સિવિલમાં દરરોજ 55 ટન ઓક્સિજનનો વપરાશ : છેલ્લા 15 દિવસમાં અંદાજે 764 ટન ઓક્સિજનનો વપરાયો

કુલ ૬૦,૦૦૦ લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્તની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

માર્ચ મહિનામાં દરરોજ દરરોજ ૧૩ ટન જેટલી ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. જે અપ્રિલ મહિનાના ૧૫ દિવસમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા વધવાના કારણે હાલમાં દરરોજ ૫૫ ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.

સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨૦,૦૦૦ લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં ૨૦હજાર લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં ૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ ૬૦,૦૦૦ લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર શક્ય બની છે.

(8:42 pm IST)