ગુજરાત
News of Sunday, 21st April 2019

રાહુલ ગાંધીને કૂતરાના ગલૂડિયાની સાથે સરખાવતાં નવો વિવાદ

ભાજપના કેબિનેટ મંત્રી ગણપત વસાવા ફરી ભાન ભૂલ્યા : ચૂંટણી પંચના તપાસના આદેશો : ભાજપના નેતાઓ એક પછી એક વિવાદીત નિવેદનો કરીને વિવાદમાં ફસાય છે

અમદાવાદ,તા. ૨૦ : તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં અન્ય પક્ષનાં નેતાઓ વિરુદ્ધ બોલતા હોય છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરી લેતા હોય છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ફરી એકવાર બેફામ વાણીવિલાસ કરી રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ગણપત વસાવાએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ જેવા લાગે છે અને જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતા ગલુડિયા જેવા લાગે છે. તેને પાકિસ્તાન એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીનવાળા એક રોટલી આપી દે તો પણ ચાલી જાય. વસાવાના આ નિવેદનને લઇ જોરદાર રાજકીય વિવાદ જાગ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે વસાવાની માનસિકતાની નિંદા કરી આ મામલે ચૂંટણી પંચને સમગ્ર વાત પહોંચાડી છે તો, બીજીબાજુ, ચૂંટણી પંચે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશો જારી કર્યા છે, જેને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપના કેબીનેટ મંત્રી ગણપત વસાવા, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, મોહન કુંડારિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, આશા પટેલ સહિતના અનેક નેતાઓ વિવાદીત નિવેદનો કરી કે ઓડિયો કલીપ મારફતે મોટા વિવાદમાં ફસાયા છે પરંતુ હજુ સુધી તેઓ આ પ્રકારની માનસિકતામાંથી બહાર આવતા નથી તેવું ગુજરાતના રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તેની સરખામણીએ આ વખતે કોંગ્રેસે ભારે સંયમતાપૂર્વક કામ લીધુ છે અને કોઇ એટલો મોટો વિવાદ જગાવ્યો નહી હોવાનું પણ વિશ્લેષકોનું માનવું છે. આજે નર્મદા જિલ્લામાં ભાજપના કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી ગલૂડિયા સાથે કરતાં મોટો વિવાદ સર્જાયો હતો. ખુદ ચૂંટણી પંચ ગણતરીના કલાકોમાં હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવાના આદેશો જારી કર્યા હતા, આમ, સમગ્ર વિવાદ ગરમાયો છે. આ પહેલા પણ ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઝેર પીવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. બારડોલીના બાબેન ગામમાં ભાજપનો વિજય સંકલ્પ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગણપત વસાવા સહિતના નેતાઓ ઉપસ્થિતિ હતા. તે સમયે કાર્યક્રમને સંબોધતા મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે. ત્યારે શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા. ત્યારે તમારા નેતાને પણ ૫૦૦ ગ્રામ ઝેર પીવડાવો, જો બચી જાય તો અમે માનીશું કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે. આમ, વસાવા બેફામ વાણીવિલાસ અને વિવાદીત નિવેદનો કરી બિનજરૂરી વિવાદમાં સપડાઇ રહ્યા છે.

(8:00 pm IST)