ગુજરાત
News of Thursday, 21st March 2019

સેલ્ફીના શોખીનો સાવધાન: મતદાન મથકમાં સેલ્ફી લીધી તો મુશ્કેલી પડશે : આચાર સંહિતા ભંગની પોલીસ ફરિયાદ થશે

વોટિંગ સેન્ટરમાં મોબાઈલ લઇ જવા અને 100 મીટરની ત્રિજીયામાં ફોટોગ્રાફી કરવા પર છે પ્રતિબંધ

 

અમદાવાદ ;હાલના મોબાઈલ યુગમાં સેલ્ફી લેવાનો ક્રેઝ વધ્યો છે સેલ્ફી લઇને સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે ત્યારે લોકસભા ચૂંટણી વેળાએ તમે મતદાન મથકમાં મોબાઈલ લઈ જતા નહી અને ધારો કે લઈ જાવ તો સેલ્ફી લેતાં નથી, નહીં તો આચાર સંહિતા ભંગ બદલ પોલિસ ફરિયાદ થઈ શકે છે.

   દેશમાં લોકસભા 2019 ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. દેશમાં સાત તબક્કામાં કુલ 543 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતમાં 26 બેઠકો માટે 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાશે અને 23 મેના રોજ મતગણતરી થશે. ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવો તે દરેક નાગરિકની ફરજ છે.

  લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જતી વખતે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોય છે, પણ ધારો કે તમે મોબાઈલ ફોન લઈને ગયા અને પ્રતિબંધિત વિસ્તારના ફોટા લીધા અથવા તો તમે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં સેલ્ફી લીધી તો તમારી સામે ચૂંટણી અધિકારી આચાર સંહિતા ભંગની પોલિસ ફરિયાદ કરી શકે છે.

  મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ હોય છે. મતદાતા કે ઉમેદવાર કોઈ પણ મતદાન મથકની અંદર ફોટોગ્રાફી કરી શકતા નથી.

   મતદાન મથકમાં ફોટો પાડવો ગુનો બને છે. આવા પ્રકારની ઘટનામાં સક્ષમ અધિકારી ગેરકાયદે ફોટોગ્રાફી કરનાર સામે પોલિસ ફરિયાદ નોંધાવી શકે છે. ભૂતકાળમાં આવા વિવાદો સામે આવ્યા છે, જેથી ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાનો કડકપણે પાલન કરાવે છે. મતદાન મથકમાં તમે કોને વોટ આપ્યો તેવો ફોટો પાડવો પણ ગેરકાયદેસર છે, અને આવા ફોટો વાયરલ કરવા પર પણ પ્રતિબંધ છે.

(11:49 pm IST)