ગુજરાત
News of Wednesday, 21st March 2018

રાજીનામાનો વિવાદ : આખરે ભરતસિંહનો વિદેશ પ્રવાસ રદ

સોલંકીની પ્રવાસ રદ માટે હિમવર્ષાની દલીલ : ગુજરાત કોંગીમાં ભરતસિંહના રાજીનામાનો મુદ્દો ચર્ચાની એરણે : નવી નેતાગીરીને લઇને પણ ચાલી રહેલી અટકળો

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાના વિવાદ વચ્ચે તેમનો વિદેશ પ્રવાસ આખરે રદ થયો છે. અગાઉ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પંદર દિવસના વિદેશ પ્રવાસે જવાના હતા પરંતુ રાજીનામાના મુદ્દા બાબતે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે તેમની પાસેથી ખુલાસો પણ માંગ્યો હતો. બીજીબાજુ, આજે અચાનક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા તેમનો વિદેશ પ્રવાસ રદ કર્યો હોવાની જાણકારી આપી હતી. જો કે, વિદેશ પ્રવાસ રદ કરવા પાછળના કારણમાં સોલંકીએ એવો બચાવ રજૂ કર્યો હતો કે, વિદેશમાં હાલ હિમવર્ષા અને બરફના તોફાનની પરિસ્થિતિ છે અને તેથી તેમણે પ્રવાસ રદ કર્યો છે. આ અંગે તેમણે ટવીટ્ પણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો વિવાદ હાલ ચર્ચાની એરણે છે. સ્થાનિક કાર્યકરોથી લઇ કોંગ્રેસના આગેવાન-નેતાઓમાં પણ નવી નેતાગીરીને લઇ અટકળો વહેતી થઇ છે. કોંગ્રેસ વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ, વિધાનસભા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા પોતાના કહેવાતા માણસો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં કૂણું વલણ દાખવવા બદલ કોંગ્રેસ હાઇકમાન્ડે સોલંકી પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. એટલું જ નહી, આ સમગ્ર મામલે ભરતસિંહ વિરૂધ્ધ સ્થાનિક આગેવાનો દિલ્હી હાઇકમાન્ડ સુધી ફરિયાદ પણ કરી હતી. તાજેતરમાં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભરતસિંહે એઆઇસીસીના ડેલીગેટ્સની નિમણૂંકમાં તેમના માણસોને જ પ્રાધાન્યતા આપી હોવાની વાતને લઇને હાઇકમાન્ડ નારાજ થયું હતું. એવું મનાઇ રહ્યું છે કે, ઉપરોકત મુદ્દાઓને લઇ હાઇકમાન્ડ દ્વારા તેમને ઠપકો પણ અપાયો હતો, જેને લઇ તેમણે આખરે રાજીનામુ ધરી દીધુ હતું.

(7:49 pm IST)