ગુજરાત
News of Friday, 21st February 2020

અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પુત્રી ઇવાન્કા પણ ભારત યાત્રા પર હશે

ઇવાન્કા દ્વારા અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમો નક્કી કરાયા છે : ઇવાન્કા ટ્રમ્પ અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય સલાહકાર તરીકે છે : રિપોર્ટ

નવી દિલ્હી, તા.૨૧  : અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ભારત યાત્રા ઉપર પહોંચી રહ્યા છે. યાત્રાના ભાગરુપે સમગ્ર ભારત તૈયારીમાં વ્યસ્ત છે. એવા પ્રયાસ થઇ રહ્યા છે કે, ટ્રમ્પનું સ્વાગત રીતે કરવામાં આવે જેવું સ્વાગત હજુ સુધી કોઇનું પણ થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પુત્રી ઇવાન્કા પણ ભારત આવી રહી છે. ટ્રમ્પના કાર્યક્રમમાં પણ તેની ભૂમિકા રહેલી છે. ઇવાન્કા ટ્રમ્પની મુખ્ય સલાહકાર તરીકે પણ છે. તે પોતાના પિતાની સાથે ભારત યાત્રા પર આવી રહી છે. ઇવાન્કા પહેલા પણ ભારત આવી ચુકી છે. ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના દિવસે હૈદરાબાદમાં આયોજિત ગ્લોબલ સમિટમાં ઇવાન્કા ભાગ લેવા માટે પહોંચી હતી. ઇવાન્કાની યાત્રાને લઇને પણ રોમાંચકતા દેખાઈ રહી છે.

      ૩૯ વર્ષીય ઇવાન્કા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ પત્નિ ઇવાના ટ્રમ્પના પુત્રી છે. ઇવાન્કાનો જન્મ ૧૯૮૧માં થયો હતો. ઇવાન્કાની માતા એક અમેરિકી મોડલ હતી. એમ માનવામાં આવે છે કે, જ્યારે ટ્રમ્પે ઇવાનાને તલાક આપ્યા હતા ત્યારે ઇવાન્કાની વય ૧૦ વર્ષની હતી. ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પ્રથમ પત્નિથી ત્રણ બાળકો થયા હતા જેમાં બે પુત્ર અને એક પુત્રી ઇવાન્કાનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા અનેકરીતે મહત્વપૂર્ણ બની રહી છે. અમદાવાદની સાથે સાથે દિલ્હીમાં પણ તેમના કેટલાક કાર્યક્રમો રહેલા છે. ૨૪મીએ સીધીરીતે તેઓ અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામમાં ભાગ લેશે. કાર્યક્રમની તૈયારીઓ પણ સ્ટેડિયમ ખાતે કરી દેવામાં આવી છે.

       તેમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. તમામ સેલિબ્રિટિઓને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ઉદ્યોગપતિઓ, બોલીવુડના કલાકારો, જુદા જુદા ક્ષેત્રોના ટોપના લોકો, ક્રિકેટરોનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જે રીતે અમેરિકામાં હ્યુસ્ટનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઇને છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મોટેરા સ્ટેડિયમને નવેસરથી બનાવવામાં આવ્યું છે જેના નિર્માણ પર ૮૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી ચુક્યોછે.

          અમદાવાદ શહેરની સજાવટ માટે પણ જંગી ખર્ચ કરાયો છે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પણ ટ્રમ્પ ટૂંકી મુલાકાત લેનાર છે જેથી સ્થળ ઉપર પણ તમામ સુવિધા ઉભી કરવામાં આવી ચુકી છે.

(7:50 pm IST)