ગુજરાત
News of Thursday, 21st January 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગેરકાયદેસર માટી ખોદાતી હોવાની બૂમ: સ્થાનિકોનો હોબાળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા.: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓના વધુ આકર્ષણ માટે ત્યાં પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો પણ હાથ ધરાયા છે.તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આડમાં એ તરફના વિસ્તાર માં ગેરકાયદેસર માટી ખોદાતી હોવાની બુમો ઉઠી હતી. દરમિયાન નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગે એ વિસ્તારમાં ડ્રોનથી સર્વે હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.

  ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગભાણા ગામના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે માટી ખોદાતી હોવાની બુમો ઊઠી હતી, દરમીયાન સ્થાનિકોએ હોબાળો મચાવતા પોલિસ ઘટનાસ્થળે આવી પહોચી હતી.ગ્રામજનોની ફરિયાદને પગલે જ્યાં માટીનું ખોદકામ થયું હતું એનાથી થોડેક દૂરથી એક ટ્રકને જપ્ત કરી કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
  આ ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ગભાણા ગામમાં જ્યાં ખોદકામ થયું છે ત્યાં તલાટી અને ખાણ ખનીજ વિભાગના સર્વેયરે સર્વે હાથ ધરી રિપોર્ટ નર્મદા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કે.જે. રાજપુરા સુપ્રત કર્યો હતો.
  કેવડિયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કુલદીપ તડવી એ જણાવ્યું હતું કે ગભાણા ગામમાં જે માટી ખોદાઈ છે એની ગ્રામપંચાયતને કોઈ પણ પ્રકારની જાણ નથી કે અમે કોઈ પરમિશન પણ નથી આપી.નર્મદા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કે.જે.રાજપુરા જણાવ્યા મુજબ અમારી ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સર્વેની કામગીરી હાથ ધરી છે, પણ ઘટના સ્થળ પરથી અમને કોઈ વાહન મળ્યું નથી પણ થોડેક દુરથી એક ટ્રક પોલિસે જપ્ત કરી છે એને સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.RTO પાસેથી ટ્રક માલિકનું નામ જાણી નોટિસ અપાશે અને જ્યાં માટી ખોદાઈ છે એ જમીન માલિકની પણ માહિતી એકઠી કરાશે અને ગેરકાયદેસર જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે.

(12:54 am IST)