ગુજરાત
News of Thursday, 21st January 2021

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં ત્રીજા દિવસે 50થી વધુ ઓર્થોપેડિક તબીબોને એક સાથે કોરોના રસીકરણ

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ત્રીજો દિવસ છે.અમદાવાદ સિવિલના ઓર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઇને દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી છે. 50થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એક સાથે કોરોનાની રસી લીધી હતી.

કોરોના સામે રસીકરણના ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલ સંકુલમાં કાર્યરત ઑર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહા રસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ સૌ પ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમનામાંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો, જેના પગલે પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના 50 કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પચાસ કરતા વધુ સ્ટાફે સાગમટે રસી લઇને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

(5:27 pm IST)