ગુજરાત
News of Thursday, 21st January 2021

ગાંધીનગર:શીલજ-રાંચરડા માર્ર્ગ નજીક બાઈક લઈને જઈ રહેલ શખ્સને ટ્રકે હડફેટે લેતા યુવાનનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શીલજ-રાંચરડા માર્ગ ઉપર રાંચરડા પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા ઉનાલી ગામના યુવાનને ટ્રકે અડફેટે લેતાં શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુંઆ ઘટના અંગે યુવાનના પિતાની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ટ્રક મુકી નાસી છુટેલા ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ભારે વાહનો ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને માતેલા સાંઢની જેમ દોડતાં હોય છે ત્યારે ટુ-વ્હીલર વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતાં હોય છે. આવા જ અકસ્માતમાં કલોલના ઉનાલી ગામના યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે મળતી વીગતો પ્રમાણે ઉનાલી ગામમાં રહેતો ૩પ વર્ષીય યુવાન હસમુખ ભગવાનભાઈ સેનમા સિક્યોરીટી જવાન તરીકે કામ કરતો હતો. ગઈકાલે તે તેનું બાઈક નં.જીજે-૧૮-ડીએફ-૫૭૫૦ લઈને રાંચરડા પાસેથી પસાર થઈ રહયો હતો તે સમયે ટ્રક નં.જીજે-૩૮-ટી-૫૧૨૬ના ચાલકે તેના બાઈકને અડફેટે લીધું હતું અને આ અકસ્માતમાં હસમુખભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે તેમના પિતા અને પરિવારજનોને જાણ થતાં તેઓ તુરંત જ સ્થળ ઉપર પહોંચ્યા હતા તો બીજી બાજુ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રકચાલક સામે મૃતક યુવાનના પિતા ભગવાનભાઈ સેનમાની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને શોધખોળ શરૃ કરી છે.

(5:12 pm IST)