ગુજરાત
News of Thursday, 21st January 2021

વડોદરા નજીક જીએસએફસી બ્રિજ નીચે મધ્ય રાત્રે એસટી ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બે મિત્રોના કમકમાટીભર્યા મોત

વડોદરા:નજીક જીએસએફસી બ્રિજ નીચે ગઇ મોડી રાત્રે એક એસટીના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર બે મિત્રોના કરૃણ મોત નિપજ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે મુળ બિહારનો વતની પરંતુ હાલ નંદેસરી ચોકડી પાસે એલ એન્ડ ટી કંપનીના કેમ્પમાં રહી નોકરી કરતો વિવક કનૈયાલાલ શાહ(ઉ.વ.૩૩)ને પોતાના વતન બિહાર જવાનું હોવાથી રાત્રિની ટ્રેન પકડવા છાયાપુરી રેલવે સ્ટેશન જવા તેના મિત્ર દિપક રામબાબુ સિંગ (ઉ.વ.૨૭) સાથે બાઇક પર બેસીને જતો હતો.

બંને મિત્રોની બાઇક જીએસએફસી બ્રિજ નીચેથી છાણી તરફ જતી હતી ત્યારે પૂરપાટઝડપે જતી એક એસટી બસે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો રોડ પર પટકાતા બંનેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બંને મિત્રોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ વિવેકનું મોત નિપજ્યું હતું જ્યારે ટૂંકી સારવાર બાદ દિપકનું પણ મોત થયું હતું. આ બનાવ અંગે છાણી પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)