ગુજરાત
News of Thursday, 21st January 2021

'હિન્દુત્વ' ગ્રંથનું કાલે રાજયપાલશ્રીના હસ્તે વિમોચન

૮૫ વર્ષ પહેલા કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિક ડો.રામદાસ ગૌડની કલમે લખાયેલા : રાજભવનથી પુસ્તકનું ઓનલાઈન વિમોચન થશેઃ વિષ્ણુ પંડયા, ગોપબંધુ મિશ્રા, હિમાંશુ પંડયા, અમીબેન ઉપાધ્યાયના વકતત્વઃ ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી કાર્યક્રમ નિહાળી શકાશે

રાજકોટ,તા.૨૧: આજથી ૮૫ વર્ષ પહેલા કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક ડો.રામદાસ ગૌડાની કલમે લખાયેલા 'હિન્દુત્વ' ગ્રંથનું ગુજરાતના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આવતીકાલે તા.૨૨ના શુક્રવારે વિમચોન કરવામાં આવશે.

ગુજરાત સાહિત્ય આકાદમી દ્વારા પ્રકાશિત આ પુસ્તક હિન્દુત્વનો વિશ્વકોષ છે અને તે વર્ષોથી દુર્લભ હતો. તેના ૧૦ ખંડ અને ૮૦ અધ્યાય છે. તેમાં વેદ, વેદાંગ, દર્શન, સ્મૃતિ, કળા, ઈતિહાસ, રામાયણ, મહાભારત, પુરાણ, તંત્ર, પંથ અને સંપ્રદાયોની પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. જેથી હિન્દુત્વ એટલે શું તેનો સામાન્ય નાગરિક અને યુવકોને પૂરો પરિચય મળી રહેશે. લગભગ ૮૦૦ પાનાંનો આ ગ્રંથ સમગ્ર દેશમાં પહેલીવાર પ્રકાશિત થઈ રહ્યો છે. મદન મોહન માલવિયા તેમજ વિદ્વાન પત્રકાર વાસુદેવ પરાડકર જેવા મહાપુરૂષોની પ્રેરણાથી ૮૫ વર્ષ પૂર્વે આ પુસ્તક પ્રકાશિત થયું હતું.

૨૨મીએ રાજભવનથી રાજયપાલશ્રી આ પુસ્તકનું ઓનાલાઈન વિમોચન કરાશે. તેમની સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષી વિષ્ણુ પંડયા જોડાશે. તેમજ ચાર યુનિવર્સિટીના સર્વશ્રી કુલપતિશ્રી રામા શંકર દુબે (ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલય), ગોપબંધુ મિશ્ર (સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય), હિમાંશુ પંડયા (ગુજરાત યુનિવર્સિટી) તેમજ અમીબહેન ઉપાધ્યાય (ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી) વિમોચન અને વકતવ્ય આપશે. આ સમગ્ર કાર્યક્રમ સાંજે ૪ વાગે ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી પ્રસારિત થશે. આ પુસ્તક ૫૦ ટકા વળતરથી રૂ.૮૦૦માં ઉપલબ્ધ થશે. તેમ શ્રી અજયસિંહ પરમાર (અધ્યક્ષશ્રીના અંગત મદદનીશ)ની એક યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)