ગુજરાત
News of Friday, 11th June 2021

વિધાનસભાની ચૂંટણીના કામે લગાડવા ગાજર લટકાવાયું

મંત્રી નહીં તો બોર્ડ-નિગમ ચેરમેન હી સહી : દાવેદારોનું રાજકીય લોબિંગ

છેલ્લી તક સમજી પક્ષપલટુ ધારાસભ્યો ચેરમેનપદ મેળવવા ઉતાવળા બન્યા

અમદાવાદ,તા.૧૧: કોરોનાના કેસો દ્યટતાં જ ગુજરાતમાં રાજકીય ગતિવિધી તેજ બની છે.ખાસ કરીને ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડ-નિગમમાં ચેરમેનપદ આપવા પણ રાજકીય કવાયત શરૂ છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં મોડી રાત્રે ભાજપના નેતા-ધારાસભ્યોની આવનજાવન વધી છે જેના કારણે કઇંક રાજકીય નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય સેવા ખોરવાઇ જતાં લોકો ભાજપથી મોં ફેરવીને બેઠા છે જેના કારણે હાલની સ્થિતીએ જો ચૂંટણી થાય તો ભાજપને નુકશાન વહોરવું પડે તેમ છે તેમ ખુદ ભાજપના નેતાઓ જ માની રહ્યાં છે. આ સંજોગોમાં હવે જયારે ગુજરાત અનલોક થયુ છે ત્યારે ફરી એકવાર ભાજપ સક્રિય બન્યુ છે.

જોકે,છેલ્લાં કેટલાંય વખતથી બોર્ડ નિગમમાં નિયુકિત જ કરાઇ નથી. હવે જયારે વિધાનસભાની ચૂંટણીઓને આડે એકાદ વર્ષ બાકી રહ્યુ છે ત્યારે ભાજપે બોર્ડ નિગમમાં ચેરંમેન પદ આપીને નારાજ નેતાઓનો રોષ ઠંડો પાડવા ગણતરી માંડી છે. સૂત્રોના મતે, કાર,બંગલા આપીને વિધાનસભાની ચૂંટણી કામે લગાડવા પક્ષની રાજકીય ગણતરી છે. હાલમાં કેટલાંય ભાજપના ધારાસભ્યો અંદરખાને નારાજ છે.

ત્રણ-ચાર ટર્મથી ચૂંટાતાં ધારાસભ્યોના મંત્રી બનવાના ઓરતા પૂર્ણ થઇ શકયાં નથી. આ જોતાં પાટીલ બોર્ડ નિગમનું ચેરમેન પદ આપીને બધાને રાજી રાખવાના મતમાં છે.  પાટનગર ગાંધીનગરમાં છેલ્લાં બે દિવસથી ભાજપના નેતા-ધારાસભ્યોના આંટાફેરા વધ્યાં છે જેના કારણે રાજકીય ઉત્ત્।ેજનાનો માહોલ ગરમાયોછે.

અત્યારથી જ કેટલાંક ધારાસભ્યોએ તો ચેરમેનપદ મેળવવા રાજકીય લોબિંગ શરૂ કરી દીધુ છે.ખાસ કરીને પક્ષપલટુ ધારાસભ્યો માટે તો આ છેલ્લી ટર્મ છે તેવું સમજી તેઓ ચેરમેન પદ મેળવવા ઉતાવળા બન્યાં છે. કોને કયા બોર્ડ નિગમમાં નિયુકિત મળશે તે અંગે રાજકીય તર્ક પણ શરૂ થયા છે. આ ઉપરાંત ૧૫મીએ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની એક બેઠક બોલાવાઇ છે તેના પર સૌની નજર મંડાઇ છે.

(10:34 am IST)