મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો
મહીસાગર:જિલ્લાના ખાનપુર તાલુકાના રહેમાન ગામેથી એસઓજી પોલીસે રૃા.૬૩૭૬૦ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એકને પોલીસ શોધી રહી છે.
ખાનપુર તાલુકાના રહેમાન ગામે રહેતો ભારત શનાભાઇ માલીવાડે પોતાના ખેતરમાં લીલા વનસ્પતિજન્ય ગાંજાનુ વાવેતર કરેલ છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ભારત શનાભાઇ માલીવાડ તેના ઘરે હાજર મળ્યો હતો. પોલીસે તેને સાથે રાખી તપાસ કરતા તેના ખેતરમાંથી ગાંજાના લીલા છોડ નંગ-૨૨ તથા તેના ભાઇ બાબુભાઇ નાનાભાઇ માલીવાડના ખેતરમાંથી પણ ગાંજાના ૫ છોડ મળ્યા હતાં.
બંને ભાઇઓએ પોતાના ખેતરમાં અન્ય વાવેતરની સાથે ૬.૩૭૬ કિલો ગાંજાના કુલ ૨૭ છોડનું વાવેતર કર્યું હોવાનું જણાતા પોલીસે ભારત માલીવાડને ઝડપી પાડયો હતો જ્યારે તેનો ભાઇ બાબુ ઘરે નહી મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.