ગુજરાત
News of Wednesday, 7th April 2021

ઓચિંતા ગ્રાહક ઢળી પડતા મેડીકલ સ્‍ટોરના માલિક દોડી આવ્‍યા અને ગ્રાહકને નવજીવન આપ્‍યુ

વડોદરા: કોરોનામાં માનવતા મરી પરીવારી હોય તેવા અનેક કિસ્સા બન્યા હતા. તો ક્યાંક માનવતા દાખવતા કિસ્સા પણ જોવા મળ્યાં. દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે તેને કોરોના ન થાય. આ માટે લોકો એકબીજાની મદદ કરતા પણ ખચકાય છે. પરંતુ વડોદરામાં એવો કિસ્સો બન્યો જેમાં માનવતા મહેંકી ઉઠી છે, તો સામે કોરોના હાર્યો છે. કારેલીબાગ વિસ્તારની જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરએ એક ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. દવા ખરીદવા આવેલ 50 વર્ષીય વ્યક્તિ દુકાનમાં ઢળી પડતા વેપારીએ સી.પી.આરથી તેનો જીવ બચાવ્યો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, અને વેપારીએ પણ ટેસ્ટ કરાવતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા.

કોરોના દર્દી માટે દેવદૂત બનીને આવ્યા દુકાન માલિક

બન્યું એમ હતું કે, કારેલીબાગ વિસ્તારમાં દવાની દુકાન પર એક 50 વર્ષીય ગ્રાહક આવ્યા હતા. તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારે દુકાનના માલિક બાલકૃષ્ણ ગજ્જરે વિચાર કર્યા વગર સીપીઆર પદ્ધતિથી ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમનુ સંક્રમણ દુકાન માલિક બાલકૃષ્ણભાઈને પણ લાગ્યું હતું. તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. આ ઘટના બની ત્યારે લાઈનમાં ઉભેલા અનેક ગ્રાહકો ગભરાઈ ગયા હતા, અને દૂર થઈ ગયા હતા. પરંતુ દુકાનના માલિક જ દેવદૂત બનીને ગ્રાહકની મદદે આવ્યા હતા.

વેપારીએ ડર્યા વગર હિંમત દાખવી

પરંતુ જરા પણ ડર્યા વગર વેપારીએ હિંમત દાખવી હતી. તેમણે આ વિશે કહ્યું હતું કે, સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

(5:15 pm IST)