ગુજરાત
News of Wednesday, 7th April 2021

બિમાર પુત્રને હોસ્પિટલ લઈ જવા પિતા એક કિમી દોડ્યા

સુરતના ઉમરવાડામાં કાળજુ કંપાવનારી ઘટના : ઝાડા-ઉલટી થતાં બાળકને ડોક્ટરે દવા આપ્યા બાદ તબિયત લથડતાં શ્રમજીવી નિઃસહાય પિતાની મદદે કોઈ ન આવ્યું

સુરત, તા. :  સુરત જિલ્લાના ઉમરવાડામાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક શ્રમજીવી પિતા બીમાર પુત્રને હોસ્પિટલ લઈ જવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડ્યા હતા, પરંતુ તેમની મદદ કોઈ આવ્યું નહીં અને આખરે બાળકનું મોત થઈ ગયું. બાળકને હોસ્પિટલમાં લવાયા બાદ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રમજીવી પરિવારના મનીષ નામના બાળકને ઝાડા-ઉલ્ટી થતાં સ્થાનિક ડોક્ટરે તેને દવાઓ આપી હતી. જો કે, તે દવાઓ લીધા બાદ તેની તબિયત લથડવા લાગી ત્યારે પિતા તેને હોસ્પિટલ લઈ જવા માટે હાથમાં ઉચકીને દોડવા લાગ્યા. દરમિયાન એકેય રિક્ષાચાલકે કે લોકો માનવતા દાખવી. જ્યારે પિતા બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું. પિતાના જણાવ્યા અનુસાર લોકો જોતા રહ્યા, પરંતુ કોઈ મદદે આવ્યું નહીં.

મૃતક બાળકના પિતાએ વધુમાં જણાવ્યા મુજબ તેઓ મૂળ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી ઉમરવાડા ખાનગી ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના જણાવ્યા અનુસાર તેઓએ કોઈને પણ મદદ કરવા માટે ના નથી પાડી પરંતુ આજે જ્યારે તેમને મદદની જરૂર હતી તો કોઈ આગળ ના આવ્યું તે વાતનું ખૂબ દુઃખ થાય છે.

પિતાએ જણાવ્યા અનુસાર તેઓ પત્ની સાથે નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંથી બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેવામાં આવ્યું. જેથી તેઓ રિક્ષામાં સિવિલ પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કરી દીધો. બાળક દિવસથી ખૂબ બીમાર હતો. કોઈએ મદદ કરી હોત તો મારું બાળક બચી જાત તેવી વ્યથા સાથે મૃતક બાળકના માતા-પિતા વલોપાત કરતા જોવા મળ્યા હતા.

(10:03 pm IST)