ગુજરાત
News of Monday, 22nd February 2021

રાજપીપળાના એક HIV પીડિતને ત્રણ ધક્કે તેમનો સાચો બ્લડ કાઉન્ટ રિપોર્ટ મળતા તંત્ર પર ભારે રોષ

દર 6 મહિને HIV પીડિતોને તેમના સિડી-4 ના રિપોર્ટ માટે વડોદરા ART સેન્ટર જવું પડતું હોય પરંતુ ટેક્નિકલ ક્ષતિના કારણે એક પીડિતને ત્રણ ધક્કા ખાવા પડ્યા: વડોદરા સુધી દોડતા નર્મદા જિલ્લાના HIV પીડિતો માટે રાજપીપળા ખાતે ART સેન્ટર અત્યંત જરૂરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં 350 જેવા એચઆઇવી પીડિતો છે જેમાં મોટાભાગના પીડિતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર મહિને દવા લેવા આવતા હોય છે અને દર 6 મહિને વડોદરા કે અન્ય ART સેન્ટર પર પોતાના લોહીના કાઉન્ટ (સીડી-4) કરાવવા જતા હોય પરંતુ ક્યારેક ટેક્નિકલ ક્ષતિના કારણે અમુક પીડિતો ને ધક્કે ચઢવું પડતું હોય જેમાં તાજેતરમાં રાજપીપળા ના એક HIV પીડિત કે જેઓ એકદમ સ્વસ્થ હોવા છતાં તેમના બ્લડ કાઉન્ટ જે અગાઉ એક હજારની ઉપર આવ્યા હોવા છતાં હાલ માત્ર 08 નો જ રિપોર્ટ મળતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.જોકે વડોદરાની સયાજી હોસ્પિટલ ના ART સેન્ટર ના સ્ટાફની આમાં કોઈ ભુલ ન હતી કેમકે સતત બે મહિના વડોદરા ART સેન્ટરમાં તેમના કાઉન્ટ 08 જેવા જ આવ્યા બાદ તેમણે ભરૂચ સિવિલના ART સેન્ટર માં રિપોર્ટ કઢાવવા ગયા તો ત્યાં તેમના કાઉન્ટ 871 જેટલા આવતા આખરે આ પીડિત અને તેના પરિવાજનો એ રાહતનો દમ લીધો હતો.
 આ પીડિત આર્થિક રીતે થોડા સક્ષમ હોવાથી ત્રણ ત્રણ વખત રિપોર્ટ કાઢવવા જઈ શક્યા પરંતુ નર્મદા જિલ્લામાં મોટાભાગના પીડિતો મજૂર વર્ગના હોય તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આમ ધક્કે ચઢે તેમ ન હોય માટે સરકાર માંથી મંજુર થયેલું નર્મદા નું ART સેન્ટર વહેલીટકે કાર્યરત થાય તેવી માંગ છે.સાથે સાથે વડોદરા સહિતના અમુક જિલ્લામાં મશીનો કે અન્ય બ્લડ માટેના સાધનો નવા કે યોગ્ય કામ કરતા અપાય તે પણ જરૂરી છે.

(11:45 pm IST)